ઉત્તર ગુજરાતની બે નગરપાલિકાઓમાં બનશે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન

  • 8:10 pm June 1, 2023

 

- ફાઇલ તસવીર

ગાંધીનગર,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ અને મોડાસા નગરપાલિકાને મોડેલ ફાયર સ્ટેશન નિર્માણ માટે કુલ ૧૦,પ૦૦ ચોરસ મીટર જમીન ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી

પાટણમાં કુલ રૂ. ૭.૭પ કરોડના ખર્ચે અને મોડાસામાં ૧ર.૧૬ કરોડ રૂપિયાના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશન ઊભા કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં અગ્નિશમન સેવાઓ વધુ સુદ્રઢ અને સંગીન બનાવવાનો નાગરિક સુવિધા કેન્દ્રી અભિગમ અપનાવ્યો છે. તેમણે ઉત્તર ગુજરાતની બે નગરપાલિકાઓ પાટણ ને મોડાસામાં જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે કુલ ૧૦,પ૦૦ ચોરસ મીટર જમીન ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદ્દઅનુસાર, પાટણ નગરપાલિકાને સાંડેસરપાટી ખાતે પાંચ હજાર ચોરસ મીટર જમીન તેમજ અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાની નગરપાલિકાને પપ૦૦ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવશે.

આ હેતુસર પાટણ નગરપાલિકાને જમીનની જંત્રીની કિંમત તેમજ ડી.પી.આર મળીને રૂ. ૭ કરોડ ૭પ લાખની રકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. તેમણે અરવલ્લીના મોડાસામાં પણ મોડેલ ફાયર સ્ટેશન નિર્માણના ડી.પી.આર સહિતની કામગીરી માટે કુલ ૧ર કરોડ ૧૬ લાખ ૧૬ હજાર ૬૯૮ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.