અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા દ્વારા ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ગ્રાંટના કુલ ૧૭.૪૭- કરોડના આયોજનને બહાલી આપવામાં આવી

  • 7:17 pm June 26, 2023

- ફાઇલ તસવીર

અમદાવાદ,

અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૧૫માં નાણાપંચના જિલ્લા કક્ષાના વર્ષ ૨૦૨૨-૨૩ અને વર્ષ ૨૦૨૩-૨૪ના મળીને કુલ રૂ. ૧૭.૪૭ કરોડની રકમના આયોજનને બહાલી આપવામાં આવી. કેન્દ્રીય ૧૫માં નાણાપંચની ભલામણો અનુસાર ભારત સરકાર તરફથી રાજ્યોને વિકાસલક્ષી કામો માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે, જે ટાઇડ અને અનટાઇડ ગ્રાન્ટ સ્વરૂપે આપવામાં આવે છે. ટાઇડ ગ્રાન્ટમાંથી સફાઇ અને પીવાના પાણીના કામો થતા હોય છે.

અનટાઇડ ગ્રાન્ટમાંથી માર્ગદર્શિકા અનુસાર અન્ય વિકાસના કામો થઇ શકે છે. અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની જરૂરીયાતોને ધ્યાને લઇ ૧૫માં નાણાપંચની વર્ષ ૨૦૨૨-૨૩ અને વર્ષ ૨૦૨૩-૨૪ની ગ્રાન્ટના વપરાશ માટેનું આયોજન કરવામાં આવ્યું. આયોજનમાં કુલ રૂ. ૧૭.૪૭ કરોડ રકમના ૩૩૦ કામોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, ગટરલાઈન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સાધનો, શિક્ષણ ક્ષેત્રે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખૂટતી પાયાની સુવિધા અને વિવિધ શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે સેનેટરી નેપકીન, વેંડીંગ મશીન તેમજ ડિસ્પોઝલ માટે ઇન્સીનેટર મશીન, બે ગામોને જોડતા રસ્તાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ અને સી.સી.ટી.વી કેમેરા વગેરે વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો.

અમદાવાદ જિલ્લામાં જિલ્લા પંચાયત દ્વારા વિકાસલક્ષી કામોનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે અને જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા દ્વારા ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની(૧૦%) ગ્રાંટના કુલ ૧૭.૪૭- કરોડના આયોજનને બહાલી આપવામાં આવી.