રિવર ક્રુઝનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઈ-લોકાર્પણ

  • 7:10 pm July 2, 2023

 

 

અમદાવાદ,

“રિવર ક્રુઝ” અમદાવાદ સહિત ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનશે : કેન્દ્રીય ગૃહ મંત્રી

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે “રિવર ક્રુઝ”નું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે અમદાવાદ નગરને રિવર ક્રુઝના માધ્યમથી નવું નજરાણું મળ્યું છે. એક સમય હતો કે સાબરમતી નદી એક ગંદા પાણીના ખાબોચિયા તરીકે ઓળખાતી હતી, પરંતુ આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રિવરફ્રન્ટની પરિકલ્પના કરી અને સાકાર પણ કરી બતાવી છે.

આજે રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ શહેર જ નહિ, રાજ્ય આખાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહિ રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર પણ બન્યું છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે અમદાવાદ શહેરમાં કાર્યાન્વિત થનાર રિવર ક્રુઝ શહેરના આકર્ષણોમાં એક વધુ યશકલગી બનશે. ભારતમાં જ તૈયાર થયેલી આ ક્રુઝ શહેરીજનોની સુવિધા ઉપરાંત સલામતી- સુરક્ષા પણ પૂરી પાડશે, એવું તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે ૩૦ મીટર લાંબી અને ૧૦મીટર પહોળા ધરાવતા આ ક્રુઝમાં ભોજન, સંગીત જેવી સુવિધા પણ મળવાની છે, તેમાં ફાયર સેફ્ટી સુરક્ષાનાં પાસાંઓને પણ ધ્યાને રખાયાં છે.  અમિત શાહએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં પ્રવાસન સ્થળોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક બનાવવાની નેમ રાખી, એટલું જ નહિ, યાત્રાધામોને રોડ- રેલ માર્ગ અને હવાઈ માર્ગથી જોડવાની કામગીરી પણ સંપન્ન કરાવી છે. સાથે સાથે દેશના અન્ય રાજ્યોની સંસ્કૃતિ સાથે ગુજરાતની સંસ્કૃતિને એક તાંતણે બાંધીને ઇકો સિસ્ટમ વિકસાવીને ટુરિઝમ ક્ષેત્રને નવી ઊંચાઈ આપી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, બાયો ડાયવર્સિટી પાર્ક, ફ્લાવર પાર્ક પછી હવે ગાંધી આશ્રમનું પણ રિડેવલમેન્ટ કરવામાં આવશે. સાથે સાથે રાજ્યને સ્પોર્ટ્સ હબ બનાવવાની નેમ સાથે કામ કરવામાં આવી રહ્યું છે, તેનો સીધો લાભ રોજગાર અને વિકાસની દૃષ્ટિએ ગુજરાતને મળશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી મંત્રી ઋષિકેશ પટેલે ક્રુઝ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટમાં આજે નવું નજરાણું ઉમેરાયું છે. આ ક્રુઝ રિવરફ્રન્ટની લોકપ્રિયતામાં વધારો કરશે. વધુમાં મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની દૂરંદેશિતાનું ઉત્કૃષ્ટ પરિણામ છે. રિવરફ્રન્ટ પર ટૂંક સમયમાં જોય રાઇડ પણ શરૂ થઈ જશે. રિવરફ્રન્ટ પર ક્રુઝ, સી પ્લેન અને જોય રાઇડનો ત્રિવેણી સંગમ શહેરીજનો તથા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્ર બની રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.

લોકાર્પણ સમારંભ બાદ મહાનુભાવોએ રિવર ક્રુઝમાં બેસીને તેનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર  કિરીટકુમાર પરમારે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક સાંસદઓ તથા ધારાસભ્યઓ ઉપરાંત ડે. મેયર ગીતાબહેન પટેલ, એએમસીના કમિશનર  એમ. થેન્નારસન તેમજ એએમસીના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.