ધંધુકા ધોલેરા તાલુકામાં ભારે વરસાદે વાવેતરનો દાટ વાળ્યો..

  • 9:12 pm July 24, 2023
રાજેશ પરીખ

 

અમદાવાદ,

બબે વખતના નિષ્ફળ વાવેતર પછી ત્રીજીવાર વાવેતર નિષ્ફળ જવાના આરે..

સરકાર સર્વે કરાવી વળતર આપે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ

અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા તાલુકા છેલ્લા એક અઠવાડીયાથી અવિરતપણે મેઘમહેર શરૂ રહેતા ભારે વરસાદથી જગતના તાત ખેડૂતોની કમરતૂટી ગઈ છે.   બબે વખત કપાસ અને જુવારના વાવેતર નિષ્ફળ ગયા. મોઘાભાવના બિયારણ અને દવાઓ તેમજ ખાતર નાખ્યા બાદ ત્રીજીવારનું વાવેતર નિષ્ફળ જવાના આરે ઊભું છે. 

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ચાલુ ચોમાસાની સીઝનનો ૩૦ ઈંચ વરસાદ મામલતદાર કચેરીના કંન્ટ્રોલ રૂમમાં નોંધાયો છે પ્રથમ વાવાઝોડું અને પછી અતિશય વરસાદથી ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ભાલ પ્રદેશના ધોલેરા અને ધંધુકા તાલુકામાં ખેડૂતોના બે બે વખત કપાસ અને જુવારનું વાવેતર નિષ્ફળ ગયા પછી પણ ખેડુતો હીંમત હાર્યા નથી. અને ત્રીજી વખતનું વાવેતર મોઘાભાવના બિયારણ ,દવાઓ અને ખાતર નાખ્યા બાદ દિવસ રાત ભારે મહેનત કરી વાડી ખેતરમાં ઉગાડેલ જેના ઉત્પાદન ની ખેડુતો એ મોટી આશા રાખી હતી.ભારે વરસાદ વરસ્યા બાદ વાડી ખેતરમાં ભરાયેલા પાણી ના નિકાલની કામગીરી ખોરંભે પડી ગઈ છે. 

અતિવૃષ્ટિ થી ધંધુકા ધોલેરા તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં કપાસ ,જુવાર તલ સહિતનું વાવેતર ભારે વરસાદ અને નદીઓના પૂરના પાણીમાં ડૂબી જવાથી હવે તો સડી બગડી જવાની સંભાવના વધી ગઈ છે. મોટા ભાગના ખેડૂતોનું વાવતેર પાણીમાં ગરકાવ રહેવાના કારણે તેનો બગાડ થયો છે. વાડી ખેતરમાં પાણી ભરાયેલા રહેતા પાક ડુબી જવાના કારણે છોડના ઉપર માટી ચઢી ગઈ છે. છોડવાનો બહારનો દેખાવ જોઈને ખેડુતો નિસાસા નાખી રહ્યા છે.પાક નિષ્ફળ જવાની ભિતિથી ખેડૂતોમાં પુરૂષોતમ અને શ્રાવણ માસના તહેવારો ની ઉજવણીનો આનંદ વિસરાઈ ગયો છે નુકસાન ગ્રસ્ત પાકની આગળની કાર્યવાહી કઈ રીતે કરવી તેની ચિંતામાં ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે.જો હવે વરાપ નહીં નીકળે તો કેટલાક ગામોમાં પાક સાવ રફેદફે થઈ જવાની ભીતિ સેવાય છે. સરકાર દ્રારા વહેલી તકે નુકશાન ગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી અસરગ્રસત ખેડૂતોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.