ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલે સાબરકાંઠા અને અરવલ્લીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી 9થી વધુ લોકોની અટકાયત કરી
- 9:16 pm July 25, 2023
વર્ષ 2020-21માં લેવાયેલ ઉર્જા વિભાગની ભરતીમાં ગેરકાયદેસર ભરતી કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને સુરત ક્રાઇમ બ્રાન્ચે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર નોકરીએ લાગી ગયેલા 9થી વધુ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યુ છે. છેલ્લા ત્રણ મહિનાથી ઉર્જા વિભાગની જુનિયર આસિસ્ટન્ટની ભરતીમાં ગેરકાયદેસર રીતે નોકરી લાગેલા ઉમેદવારો અને એમને નોકરી લગાડનાર એજન્ટોની ધરપકડનો સિલસિલો ચાલુ છે. ગેરકાયદેસર રીતે નોકરી લાગેલા ઉમેદવારો પૈકી 5 પુરુષ તથા 4 મહિલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ભરતીમાં 300થી વધુ ઉમેદવારો ગેરકાયદેસર રીતે નોકરી લાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વીજ કંપનીઓની વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની ઓનલાઇન પરીક્ષામાં પાસ કરવા માટે ઉમેદવાર દીઠ 7થી 10 લાખ લઈ વીજ કંપનીમાં નોકરી અપાવતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. થોડાક મહિના અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધી ગેરકાયદેસર ભરતી મામલે તપાસ શરુ કરી હતી જેમાં 15થી વધુ એજન્ટોની ધરપકડ કરી પોલીસે જેલ ભેગા કર્યા છે. જેમાં ભાસ્કર ચૌધરી, ઇન્દ્રવદન પરમાર, ભરત ઠાકોર, સલીમ ઢાપા, મનોજ મકવાણા, નિકુંજ મકવાણા, સત્યેશ પાટીલ, બિપીનચંદ્ર પરમાર, નિશિકાંત સિંહ, અશોક પટેલ, મિતેષ પટેલ, નટવરભાઈ પટેલ, ઈશ્વરભાઈ પ્રજાપતિ, પિયુષ પટેલ, નારણ મારુ ની ધરપકડ કરી હતી.
વીજકંપનીમાં DGVCL, MGVCL, PGVCL, UGVCL અને GSECLમાં જુનિયરની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં જે 8 સેન્ટરો પર લેવામાં આવી હતી. તે કેન્દ્રો પરના ડેટા ક્રાઇમબ્રાંચે 5 વીજકંપનીઓ પાસેથી મંગાવ્યો હતો અને ગેરકાયદેસર નોકરી લાગેલા ઉમેદવારોને શોધવાની તજવીજ શરુ કરી હતી.
આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહે એવાં આક્ષેપો લગાવ્યાં છે કે, વર્ષ 2021માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને એકસરખા માર્ક્સ અપાયા છે જેમાં વચેટિયાઓ જેવાં કે, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, અવધેશ પટેલ, શ્રીકાંત શર્મા (વડોદરા) ની સંડોવણી હોવાનું જણાવ્યું છે. એજન્સીના મળતિયાઓ સાથે સંપર્ક રાખીને આ લોકો કૌભાંડ કરી રહ્યાં છે. અજય પટેલ બાયડમાં ક્લાસિસ ચલાવે છે જ્યારે હર્ષ નાઈ શિક્ષક છે. યુવરાજસિંહે પરીક્ષામાં લાભ લેનારા વિદ્યાર્થીઓનાં નામ પણ જણાવ્યાં હતાં કે જેમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયમ પટેલ, આંચલ પટેલ, જીગીશા પટેલ, રાહુલ પટેલ, પ્રદીપ પટેલ અને બાબુભાઇ પટેલનાં નામનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી પરંતુ કંટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું.