રાધનપુરથી સમી તરફ જતાં બનાસના પુલ નજીક મોટા પ્રમાણમાં માટી ખનન!
- 9:31 pm July 25, 2023
પાટણ,
પાટણ જિલ્લાનાં રાધનપુર પંથકમાં ફરી એકવાર સરકારી સંપત્તિ બાબતે ચોંકાવનારી અને બેફામ હરકતના સમાચાર સામે આવ્યા છે. રાત્રિએ શંકાસ્પદ હેરાફેરી બાદ સૌથી મોટી વાત સામે આવી કે, હવે સરકારી જમીનમાં ગેરકાયદેસર ઘૂસી લાખો રૂપિયાની માટી ઉઠાવી ગયા છે. ખનીજમાફિયા રાધનપુરથી સમી તરફ જતાં બનાસના પુલ નજીક મોટા પ્રમાણમાં માટી ખનન થયું હોઈ ખળભળાટ મચી ગયો છે. અહિં દિવસે અને રાત્રે આડેધડ ખોદકામ કરી રિયા રોડલાઇન્સ લખેલા ડમ્પરોથી ઈસમ હેવી ડમ્પરો મારફતે માટી ઉઠાવી ગયો હોવાની બૂમરાણ મચી છે. સ્થાનિક તંત્રના કોઈપણ ડર વિના અને રોયલ્ટી, પરમિશનની ઐસીતૈસી કરીને હજારો ટન માટી ચોરી લેવાની આ ઘટનાથી અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોચનાદ નજીક સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન થયાની ઘટના સામે આવી છે. રાધનપુર શહેરથી સમી હાઇવે તરફ આવતાં મોટા પુલની એકદમ નજીક ખૂબ મોટા પ્રમાણમાં માટી ખનન થયું છે. સરકારી જમીનમાંથી વર્ષો જૂના બાંધકામની એકદમ અડીને ડમ્પરો અને જેસીબી મારફતે કોઈ રિયા રોડલાઇન્સ લખેલા ડમ્પરોથી ખનનન કરી ઈસમ બેફામ ખનન કરીને માટી ચોરી ગયો હોવાની વાતો ઉઠી છે. હાઇવે ઉપર ચોવીસ કલાક વાહનોની અવરજવરથી કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહિ આવે એવી ગણતરીમાં ઈસમે લાભ જોઈ લાખો રૂપિયાની માટી ઉઠાવી લીધી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીથી માંડી સ્થાનિક વિવિધ કચેરીઓ, સર્કલ ઓફિસર, તલાટી સહિતની આખી ટીમ હોવા છતાં કેમ ગેરકાયદેસર રીતે માટી ચોરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે. માટી ચોરવા કેમ વારંવાર સરકારી જમીન પસંદ કરવામાં આવે છે ? એવા કયા ખનીજ માફિયાઓ માટીની જરૂરીયાતવાળાને સરકારી જગ્યા બતાવે છે ? શું ખનીજ ચોરીના રીઢા ઈસમો આખી ગોઠવણ કરી આપે છે ? આ તમામ સવાલો રાધનપુર અને સાંતલપુર પંથકમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી સદંતર બંધ કરવા માટે અગત્યના બન્યા છે.