રાધનપુરમાં વચેટિયો તલાટી અને રેવન્યુ તલાટી લાંચ લેતાં ઝડપાયા
- 9:50 pm July 25, 2023
પાટણ,
પાટણ જિલ્લાની રાધનપુર મામલતદાર કચેરીમાં એસીબીએ સફળ ટ્રેપ કરી જાવંત્રી ગામના ઈન્ચાર્જ તલાટી અને એક વકીલને રૂપિયા 12 હજારની લાંચ લેતા ઝડપી પાડતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સોલંવસી દાખલો કાઢી આપવા બદલ ફરિયાદી પાસે લાંચની માગણી કરાયા બાદ ફરિયાદ નોંધાવાતા એસીબીએ ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા.
આ કામના ફરિયાદીને પોતાના મામાની ગાડીને કોર્ટમાં છોડાવવા માટે સોલંવસી દાખલાની જરુર હતી. જેથી તેમણે જાવંત્રી ગામના ઈન્ચાર્જ રેવન્યુ તલાટી અંકિત પ્રજાપતિનો સંપર્ક કરતા દાખલો કાઢી આપવાના અવેજ પેટે અંકિત પ્રજાપતિએ રૂપિયા 12 હજારની લાંચની માગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદ બાદ પાટણ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવતા રાધનપુર મામલતદાર કચેરીમાં અંકિત પ્રજાપતિ વતી 12 હજાર રૂપિયાની લાંચ લેતા દેવશી ઉર્ફે જીતુભાઈ મોહનભાઈ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. એસીબીએ બંને આરોપીઓને ડીટેઈન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.