સુરતમાં મેલેરિયા શાખા દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયાના કેસોને ઘટાડવા માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ
- 10:20 pm July 25, 2023
સુરત,
જિલ્લામાં કુલ ૩,૬૩,૮૪૮ જેટલા ઘરોની ૧૫,૬૨,૦૮૮ નાગરિકોને સર્વેલન્સ હેઠળ આવરી લેવાયા
સર્વે દરમ્યાન એક પણ મેલેરિયા પોઝિટીવ કેસ નોંધાયો નથી
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની મેલેરિયા શાખા દ્વારા સુરત જિલ્લાના કુલ ૫૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૪ નગરપાલિકામાં વિવિધ આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ હતી, જેમા કુલ ૩,૬૩,૮૪૮ જેટલા ઘરોની ૧૫,૬૨,૦૮૮ નાગરિકોને સર્વેલન્સ હેઠળ આવરી લેવાયા હતા. સર્વે દરમ્યાન કુલ ૫,૮૮૧ જેટલા તાવના કેસોમાં દર્દીઓને સ્થળ પર સારવાર અપાઈ હતી. જેમા એક પણ એક પણ મેલેરિયા પોઝીટીવ કેસ નોંધાયો નથી.
ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએ વિવિધ સંસ્થાઓ, દુકાનો તેમજ જાહેર જગ્યાઓએ સાવચેતીના ભાગરૂપે પાણી ન ભરાય અને મચ્છરના પોરા(લાર્વા) થાય તેવા ૫,૨૫૭ જેટલા સ્થળોમાં ટેમિફોસ એપ્લીકેશન સ્થળ પર કરવામાં આવ્યું હતુ. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા સમજ આપવામાં આવી છે. જે જગ્યા પર પાણીનો નિકાલ શક્ય ન હોય ત્યા પોરાનાશક કામગીરીમાં જુન સુધી કુલ ૧,૨૬૫ જેટલા બ્રિડીંગ સ્થળોમાં પોરાભક્ષક માછલીઓ નાંખવાની કામગીરી તકેદારીના ભાગરૂપે કરવામાં આવી હતી.
આમ, સુરત જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વાહકજન્ય રોગો જેવાકે મેલેરિયા/ડેન્ગ્યુ /ચિકુનગુનિયાના કેસોને ઘટાડવા અને કોઇ વાહકજન્ય રોગથી મૃત્યુ ન થાય તે માટેના સઘન પગલા લેવામાં આવી રહ્યા છે.