રાધનપુર શહેરની નગર પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી: મસમોટા ખાડા, ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય તેમજ ભૂગર્ભ ગટરોથી રહિશો પરેશાન
- 9:35 pm July 26, 2023
પાટણ,
પાટણ જિલ્લાનાં રાધનપુર શહેરમાં ઘણા સમય થી લઈને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે રાધનપુર શહેરની નગરપાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી સામે આવી રહી છે. રાધનપુરમાં જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ શહેરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય તેમજ ભૂગર્ભ ગટરોથી રહિશો પરેશાન છે. વારંવાર રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
રાધનપુરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. રાધનપુર શહેરના કેટલાક વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઈટોના કારણે રહીશો પરેશાન બન્યા છે. તો બીજી તરફ પીવાના પાણીની સમસ્યા પણ શહેરીજનો માટે વિકટ બની છે. બીજી તરફ રાધનપુર પંથકમાં પડેલા વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર મસમોટા મોટા ખાડાઓ પડી જતા માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓને વાહન ચાલકો સહિત વિસ્તારના વેપારીઓને પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.
રાધનપુર શહેરની નગર પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી બાબતે બસ સ્ટેશન માર્ગ પરના રમેશભાઈ નામના વેપારીએ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શહેરના રોડ, રસ્તા, ગંદકી, બંધ સ્ટ્રીટ લાઈટો, પાણીની સુવિધા સહિતની પ્રાથમિક સુવિધા બાબતે નગરપાલિકા તંત્રને અનેક વખત શહેરીજનો દ્વારા લેખિત તેમજ મૌખિક આવેદન પત્ર આપી અને હંગામાઓ કરવામાં આવ્યા છે, છતાં રાધનપુર નગરપાલિકા દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. શહેરના પ્રવેશ દ્વારના માર્ગ પર વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને કારણે ધોવાણ થયેલા માર્ગ પર અવાર નવાર નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે. છતાં તંત્ર દ્વારા એક પણ સમસ્યાનું કાયમી નિરાકરણ લવાતું નથી તેવું જણાવ્યું હતું.