વિરપુરમાં મહોરમ પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઇ
- 9:36 pm July 26, 2023
મહિસાગર,
વિરપુરમાં મહોરમ નિમિતે નીકળતા તાજિયા ઝૂલુસમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા તાજિયાના નિર્ધારિત રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. વિરપુર ખાતે મોહરમ પર્વને અનુલક્ષી વિરપુર પોલીસ દ્વારા નગરના પોલીસ સ્ટેશન, બજાર ચાર રસ્તા, કસ્બા વિસ્તાર, લીમડા ભાગોળ, જનતા સીનેમા, મેહમુદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. કરબલાના મેદાનમાં ઈમામ હુસેન સહિત 72 જેટલા જાન નિસાર શહીદોએ શહાદત વહોરેલી, જેના માનમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિરપુરમા મહોરમ પર્વની ઊજવણી શાંતિ, એકતા, ભાઈચારાથી થાય અને સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તે હેતુસર વિરપુરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચમા વિરપુર પીએસઆઇ એ એમ બારીયા પોલીસ સ્ટાફ સહિતના જીઆરડી સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.