રાધનપુરમાં રૂ.12 લાખના ખર્ચે બનાવેલ શૌચાલય બિનઉપયોગી બન્યું; રજૂઆતો છતાં સફાઈ કામદાર ન મુકાતા શૌચાલય બંધ હાલતમાં
- 9:43 pm July 26, 2023
પાટણ,
પાટણ જિલ્લા નાં રાધનપુર શહેરમાં આવેલ દેસાઈ દરવાજા દેવીપૂજક વાસ પાસે નગર પાલિકા દ્વારા રૂપિયા 12 લાખના ખર્ચે શૌચાલય બનાવ્યું છે. પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. નગરપાલિકા દ્વારા શૌચાલય બનાવ્યા બાદ આજદિન સુધીમાં આ જગ્યાએ એક સફાઈ કામદાર પણ મુકેલ નથી. આ શૌચાલયમાં એક હજાર લીટરની પાણીની ટાંકી મુકી છે, આ પાણીની ટાંકીની તેમજ પાછળના ભાગે નાંખેલ પિવિસી પાઇપ પણ ચોરાઈ ગઈ છે. નગરપાલિકાનાં વહીવટદારને આ ચોરી બાબતે પૂર્વ કોર્પોરેટર સુભાષભાઈ મકવાણા દ્વારા ટેલિફોનિક જાણ કરી હોવા છતાં આ બાબતે પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ જાણ કરેલ નથી કે FIR નોંધાવેલ નથી. આ વિસ્તારના રહીશોની માંગ છે કે પાલિકા દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
રાધનપુર શહેરને 2009 પછી શૌચ મુક્ત જાહેર કરેલ હોવા છતાંય અને હોવા છતાં લોકો આજે પણ જાહેર રસ્તાઓ ઉપર શૌચ કરીને ગંદકી ફેલાવી રહ્યા છે. સુભાષભાઈ મકવાણાનાં જણાવ્યા મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સફાઈ કામદાર મુકવામાં ન આવતા આ શૌચાલય બંધ રહેવાથી આ વિસ્તારના નાગરિકો શૌચાલયનો ઉપયોગ કરી શકતા નથી. વહીવટદાર અને ચીફ ઓફિસરે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી નાગરિકોની માંગ ઉઠવા પામી છે.