શંખેશ્વરના પાડલામાં અગાઉની અદાવતમાં શખ્સની હત્યાના બનાવમાં બે સગાભાઈઓની ધરપકડ
- 9:44 pm July 26, 2023
પાટણ,
પાટણ જિલ્લાનાં શંખેશ્વર તાલુકાના પાડલા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચેના ઝઘડામાં છ માસ અગાઉ થયેલ ફાયરિંગની અદાવતમાં ગઈકાલે બે સગા ભાઈઓએ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયેલા આરોપીના બાઈકને ટ્રેક્ટર થી ટક્કર મારી નીચે પાડી માથાના ભાગે હથિયારો વડે ઘા મારી હત્યા કર્યાનો ચકચારી બનાવ બન્યો હતો, જે બનાવને પગલે હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ઘટનામાં સંડોવાયેલા બે સગા ભાઈઓની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પાટણ નાં શંખેશ્વરના પાડલા ગામે છ મહિના અગાઉ કુટુંબિક ભાઈઓના બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઇલિયાસ ઉર્ફે ઇલુએ સરફરાજ ખાન પર ખાનગી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. જે મુદ્દે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.જે દરમિયાન છ મહિના બાદ ઇલ્યાસ જામીન ઉપર છૂટી પરત આવ્યો હતો. અને પોતાની મોટર સાયકલ લઈને એમના મમ્મી માટે કેળા લેવા અને પોતાના કામ અર્થે શંખેશ્વર ગયો હતો અને ત્યાંથી પાડલા પરત આવી રહ્યો હતો જે દરમિયાન રસ્તામાં સારકી તલાવડી નજીક બાઈક સાથે જઈ ઍલયાસને અગાઉની બાઇકને ટક્કર મારી નીચે પાડી દઈ માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી હતી. જે બનાવ બાદ હત્યારા બંને સગા ભાઈઓ ફરાર થઈ ગયા હતા. હત્યાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને બંને આરોપીઓને તાકીદે શોધી કાઢવા પાટણ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને સરફરાજ ખાન ઉર્ફે સફ કાલુમિયા ભટ્ટી અને સલીમ કાલુમિયા ભટ્ટીને શંખેશ્વર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીએ આ બાબતે જણાવ્યું હતું કે, આરોપી અને મરણ જનાર બંને સગા માસીયાય ભાઈઓ છે અગાઉની ફાયરિંગની જૂની અદાવતમાં આ ઘટનાને આરોપીઓએ અંજામ આપ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.