ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સર્વત્ર પાણીની રેલમ છેલ ફરી વળી; ખાપરી નદીમાં મોટીદબાસની 13 વર્ષીય કિશોરી તણાઈને મોતને ભેટી

  • 9:45 pm July 26, 2023
સુશીલ પવાર | ડાંગ

 

ડાંગ,

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ નોંધાઈ રહ્યો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત હળવા અને મધ્યમ સ્વરૂપેનો વરસાદ નોંધાતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળવા પામી હતી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે નદી, નાળા, વહેળાઓ અને જલધોધ ફરી છલકાઈ ઉઠ્યા છે.

બુધવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર, સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, પીંપરી, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, ચીંચલી, સહિત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સારો એવો વરસાદ નોંધાતા ડાંગી ખેડૂતોએ અંદાજીત 70 ટકા જેટલી ડાંગરની રોપણી આવરી લીધી છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી મહોલની સાથે રોજેરોજ સર્જાતા ગાઢ ધૂમમ્સીયા વાતાવરણનાં પગલે ફરવા આવેલ પ્રવાસીઓમાં ઉન્માદ બેવડાયો હતો.

ડાંગ જિલ્લામાં વરસાદી મહેરનાં પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડ નદીઓમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. તેવામાં મંગળવારે આહવા તાલુકાનાં મોટીદબાસ ગામની લલિતાબેન સોનિરાવભાઈ પવાર.ઉ.14 તેના સગાસંબધીઓ જોડે ગામ નજીક ખાપરી નદીનાં બીજા પારે આવેલ ખેતરમાં ડાંગરની રોપણી કરવા માટે ગઈ હતી. બાદમાં રોપણીનું કામ પુરૂ કરી મામા જોડે પરત મોટીદબાસ ગામે આવવા નીકળી હતી. તે દરમ્યાન આ કિશોરી ખાપરી નદીમાં ઉતરતા પુરમાં તણાઈ જવા પામી હતી. અહી કિશોરી ખાપરી નદીનાં ધસમસતા પુરમાં તણાઈ ગયાની જાણ ગ્રામજનોને થતા રેસ્ક્યુ હાથ ધર્યું હતુ. પરંતુ તણાઈ ગયેલ કિશોરીની લાશ મળી ન હતી. બીજા દિવસે તણાઈ ગયેલી કિશોરીની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

હાલમાં સાપુતારા પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી પી.એમ કરાવી વધુ તજવીજ હાથ ધરી છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 05 મિમી,આહવા પંથકમાં 08 મિમી જ્યારે સાપુતારા પંથકમાં 15 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.