મહોરમનાં તહેવારને અનુલક્ષીને એક માર્ગીય રસ્તાઓ જાહેર કરવા અંગેનું જાહેરનામું બહાર પડાયુ
- 9:37 pm July 27, 2023
ભાવનગર,
આગામી તા.૨૮/૦૭/૨૦૨૩ તથા તા.૨૯/૦૭/૨૦૨૩ નાં રોજ મોહરમ/તાજીયાનો તહેવાર ઉજવનાર છે. જે દરમિયાન ભાવનગર શહેરનાં રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન કરવું જરૂરી હોય, જેથી આ રસ્તા ઉપર તા.૨૮/૦૭/૨૦૨૩ નાં કલાક ૧૮:૦૦ થી તા.૩૦/૦૭/૨૦૨૩ નાં કલાક ૦૫:૦૦ સુધી રસ્તાઓ એક માર્ગીય કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ- (૩૩)૧ થી મળેલ અધિકારની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા શહેરનાં રસ્તાઓને તા.૨૮/૦૭/૨૦૨૩ નાં કલાક ૧૮:૦૦ થી તા.૩૦/૦૭/૨૦૨૩ નાં કલાક ૦૫:૦૦ સુધી એકમાર્ગીય જાહેર કરવામાં આવેલ છે.
જેમાં ભાવનગર શહેરનાં હેરીસરોડનાં નાકાથી શેલારસા ચોક, સંઘેડિયા બજાર થઈને અલકા ટોકીઝ સુધી, અલકા ટોકીઝથી વડવા તલાવડી ચોક થઈ બાપુની વાડી પાવર હાઉસ સુધી અને મીની ગેસ્ટ હાઉસ સુધી, ખારગેટ ચોકથી મામાકોઠા અને બાર્ટનચોક થી હલુરીયા ચોક સુધી, સંતકવરરામ ચોક થી કેસરબાઈની મસ્જિદ થઈ હલુરીયા ચોક સુધી, એસ.પી. કચેરી સામે રોડથી નવાપરા રણવીર હનુમાનજી મંદિર થઈ મનહર કુંવરબા રાજપૂત છાત્રાલય સુધી, જોગીવાડની ટાંકીથી રૂવાપરી રોડ બાર્ટન લાઈબ્રેરી ચોક સુધી, ખડપીઠ મોડર્ન સર્વિસ સ્ટેશનથી નવાપરા ચોક એસ.પી. કચેરી રોડ રણવીર હનુમાનજી મંદિર સુધી, શેલારસા ચોકથી આંબા ચોક નાકા સુધી સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ, પારસીની અગિયારીથી મનહર કુંવરબા રાજપૂત છાત્રાલય સુધી, દિપક ચોકથી વિમાનાં દવાખાના સુધી, તાજીયાનાં રૂટ પર સામેથી મોટા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામામાંથી પોલીસ ડિપાર્ટમેન્ટ, મહેસુલ ખાતુ, પી.જી.વી.સી.એલ., ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા આવશ્યક સેવા અંગેનાં વાહનોને મુક્તિ આપવામાં આવે છે. સદરહુ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાનાં ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.