સત્ર પુરૂ થયેલા દોઢ મહિના બાદ પણ શિક્ષણ સમિતિના ચાર હજાર વિદ્યાર્થીઓને ગણવેશ નથી મળ્યો..
- 9:42 pm July 27, 2023
સુરત,
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ વર્ષે સત્ર શરૂ થવાની સાથે ગણવેશ તો આવી ગયા હતા. પરંતુ સત્ર શરૂ થયાને દોઢ મહિના જેટલો સમય પૂરો થઈ ગયો હતો તેમ છતાં હજી પણ ચાર હજાર વિદ્યાર્થીઓ ગણવેશ થી વંચિત જ્યારે સાત હજાર બાળકોને હજી બુટમોજા મળ્યા નથી.. દર વર્ષે ગણવેશ આપવામાં અખાડા કરતી એજન્સી સામે આકરા પગલાં ભરવા માટે વિપક્ષે માગણી કરી છે.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બુટ મોજા અને ગણવેશ આપવાની કામગીરી વખતે દર વર્ષે વિવાદ થાય છે. આ વર્ષે પહેલી વાર એવું બન્યું કે સત્ર શરૂ થયું અને વિદ્યાર્થીઓને ગણવેશ આપી દેવામાં સફળતા મળી હતી. જોકે, હજી પણ ચાર હજાર વિદ્યાર્થીઓને ગણવેશ નથી મળ્યો તેના કારણે આ વિદ્યાર્થીઓએ જુના ગણવેશ પહેરવા પડે છે અથવા ગણવેશ વિના આવવું પડી રહ્યું છે. આવી જ રીતે સાત હજાર વિદ્યાર્થીઓ એવા છે જેમને બુટ મોજા આપવામાં આવ્યા નથી. અન્ય બાળકોને ગણવેશ અને બુટ મોજા મળ્યા છે પણ આ બાળકોને મળ્યા ન હોવાથી તેઓ લઘુતાગ્રંથિથી પીડાઈ રહ્યા છે. શિક્ષણ સમિતિના વિપક્ષ રાકેશ હિરપરાએ આજે શિક્ષણ સમિતિની ઓફિસ જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષે ફરી એક વખત માંગણી કરી છે કે ગણવેશ-બૂટ-મોજા સમયસર તેમજ સારી ગુણવત્તા અને યોગ્ય માપ-સાઈઝ વાળા આપવામાં આવે.તે જરૂરી છે. આ ઉપરાંત ગણવેશ અને બુટ મોજા આપવામાં જે એજન્સી અખાડા કરે છે તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.