મોંઘાદાટ લસણની ચોરી કરનારા બે CCTVના આધારે સુરત પોલીસના હાથે પકડાયા

  • 9:45 pm July 27, 2023
સુનિલ ગાંજાવાલા | સુરત

 

સુરત,

સુરતમાં મોંઘાદાટ શાકભાજીની ચોરીની ઘટનાઓ વધતાં પોલીસે ગણતરીના સમયમાં કાર્યવાહી કરી હતી. લિંબાયતમાં લસણની ચોરી કરનારા બે વ્યક્તિઓને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધા છે. ઓટોરિક્ષામાં લસણની ચોરી કરનારા ગોવિંદ ચુનારા અને રાજકુમાર આહિરેને પોલીસે ઝડપી લઈને લસણ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.સુરતના લીંબાયતમાં મહિલા વેપારીએ ઘરની બહાર રાખેલા રૂ.91,960 ની કિંમતના 836 કિલોગ્રામ લસણને રીક્ષા અને ટેમ્પો લઈ આવેલા ચાર અજાણ્યા ચોરી ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.અગાઉ મોટાવરાછામાં દુકાનની બહાર મુકેલા 850 કિલો બટાકા ચોરાઈ ગયા હતા.તેમાં પણ ફુટેજમાં શંકાસ્પદ રીક્ષા નજરે પડી હતી.જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને બે ઈસમોને પકડીને મુદ્દામાલ કબ્જે કર્યો છે.સુરતના લીંબાયત શ્રીજીનગર 2 ની બાજુમાં શિવદર્શન સોસાયટી ઘર નં.155 માં રહેતા 52 વર્ષીય સુમનબેન સુભાષભાઈ પવાર લસણનો વેપાર કરે છે.તેમણે વેપાર માટે મંગાવેલી કુલ 836 કિલોગ્રામ વજનની કુલ 22 ગુણી ઘર નજીક રાખી હતી.દરમિયાન, ગત મળસ્કે ત્રણ વાગ્યે રીક્ષા અને ટેમ્પો લઈ આવેલા ચાર અજાણ્યા રૂ.91,960 ની કિંમતના લસણની તમામ ગુણી ટેમ્પો અને રીક્ષામાં નાખી ફરાર થઈ ગયા હતા.સવારે લસણની ગુણી નજરે નહીં ચઢતા સુમનબેને બાજુના ઘરના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા તો તેમાં ચાર અજાણ્યા ચોરી કરતા નજરે ચઢતા પોલીસે ગુનો નોંધીને ગોવિંદ અને રાજકુમારને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.