વડોદરાના પાણીગેટ પાસે મુખ્યમાર્ગને અડીને આવેલા મકાનનો ભાગ ધરાશાઇ

  • 10:03 pm July 28, 2023
સિકંદર પઠાણ | વડોદરા

 

વડોદરા,

મકાનનો ભાગ પડતા કાટમાળનો ભાગ રસ્તા પર ફેલાયો છે. જેને કારણે પાણીગેટ પર અવર-જવરમાં મુશ્કેલી સર્જાઇ

વડોદરાના પાણીગેટ પાસે મુખ્યમાર્ગને અડીને આવેલા મકાનનો ભાગ ધરાશાઇ મકાન વર્ષો જુનુ હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું છે. મકાનનો ભાગ પડતા કાટમાળનો ભાગ રસ્તા પર ફેલાયો છે. જેને કારણે પાણીગેટ પર અવર-જવરમાં મુશ્કેલી સર્જાઇ રહી છે. તો ઘટનાની જાણ થતા પોલીસ જવાનોએ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.વડોદરામાં ચોમાસું આવતા પહેલા જર્જરીત બિલ્ડીંગોને નોટીસ ફટકારવામાં આવતી હોય છે. પરંતુ નોટીસ બાદ કોઇ ખાસ દરકાર લેવામાં આવી નહિ હોવાની ઘટના સામે આવી છે. આજે વડોદરાના પાણીગેટ પાસે મુખ્ય માર્ગને અડીને આવેલા જર્જરીત મકાન ધરાશાઇ થયું છે. પાણીગેટથી માંડવી તરફ જવાના રસ્તા પર દુર્ઘટના ઘટી છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, આજે બપોરે 12 વાગ્યે આ ઘર ધરાશાઇ થયું છે. પહેલા ઘરનો પાછળનો ભાગ પડ્યો હતો. અને ત્યાર બાદ મકાનનો આગળનો ભાગ પડ્યો હતો. મકાનનો આગળનો ભાગ તુટી પડવાને કારણે રોડ પર પતરા સહિતનો કાટમાળ રસ્તા પર ફેલાયો હતો. આ ઘટનાને પગલે તુરંત સ્થાનિકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને રસ્તા પરનો કાટમાળ હટાવીને રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિકે મીડિયાને જણાવ્યા અનુસાર, આ મકાન પડ્યું ત્યારે એક મહિલા નજીકથી પસાર થઇ રહી હતી. તેની સમયસુચકતાને કારણે તેણીનો બચાવ થયો છે. અને તે તુરંત જ અહિંયાથી જતી રહી છે. આ મકાનની બાજુમાં આવેલુ અન્ય એક મકાન પણ પડી શકે તેવી સ્થિતીમાં છે. તંત્ર દ્વારા આ પ્રકારના બાંધકામ સામે ત્વરિત કાર્યવાહી થવી જોઇએ. મોર્હરમ તહેવારને લઇને તંત્રએ ખાસ કાળજી રાખવી જોઇએ. જર્જરિત મકાનોને બેરીકેડીંગ કરવાની કામગીરી પણ કરવી જોઇએ.આ ઘરની પાછળ આંગણવાડી આવેલી છે. આંગણવાડીની મહિલાએ મીડિયાને જણાવ્યા અનુસાર, આજે સવારે ફાયરના જવાનો અમારે ત્યાં આવ્યા હતા. અને અમને બાળકોને રજા આપી દેવા જણાવ્યું હતું. અમે આજે બાળકોને નાશ્તો આપીને જ જવા દીધા હતા. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ મકાન પડ્યું હતું.