ગઢડામાં નદીકાંઠે યાત્રાળુ સ્નાન માટે મહિલા સ્નાનાગાર બનાવવા માંગણી

  • 8:35 pm July 29, 2023
હેમેન્દ્ર મોદી | ગઢડા

 

બોટાદ,

ગઢડા(સ્વામીના) પવિત્ર યાત્રાધામ હોવાના કારણે વર્ષે દહાડે અસંખ્ય યાત્રાળુઓ આવતા હોય છે. તેમજ અધિકમાસ અને શ્રાવણમાં પણ નદીમાં આવેલી પાણી ભરેલી ધરીમા સ્નાન કરવા માટે ભારે માત્રામાં લોકો આવી પહોંચે છે. ત્યારે વર્ષોથી જરૂરી મહિલા સ્નાનાગાર વિગેરે સુવિધાઓ પૂરી પાડવા તથા ટ્રાફિક અને રોમિયો કનગગત વિગેરે હલ કરવામાં આવે તેવી વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલીયા તરફથી માંગણી કરવામાં આવી છે.

આ બાબતે ખાસ કરીને ચોમાસામાં પાણીની આવક થતા વાહન ધોવા સહિત અનેક પ્રકારના તત્વો અડીંગો જમાવતા હોય છે. ત્યારે હાલના સમયમાં અધિકમાસમાં મોટી સંખ્યામાં મહિલાઓ નદીમાં સ્નાન માટે આવે છે. પરંતુ કપડા બદલવા સહિત અનેક બાબતે જરૂરી સગવડના અભાવે મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં આવેલા બે મોટા મંદિરો અને નગરપાલિકા દ્વારા નદીકાંઠે તાત્કાલિક મહિલા સ્નાનાગાર બનાવવામાં આવે તેમજ નદી વિસ્તાર અને શાળા વિસ્તારમાં પોલીસ તંત્ર તરફથી એન્ટી રોમિયો સ્કોડ બનાવી મહિલાઓની સુરક્ષા માટે તેમજ તહેવારો દરમિયાન મુખ્ય રસ્તાઓ ઉપર માથાના દુઃખાવા સમાન સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવા માટે વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલીયા તરફથી માંગણી કરવામાં આવી છે.