રોલો પાડવા યુવકે નવી કારની ઉપર બેસીને સ્ટંટ કર્યો, પોલીસે ઝડપીને કાયદાનો પાઠ ભણાવ્યો

  • 9:36 pm July 29, 2023
સુનિલ ગાંજાવાલા | સુરત

 

સુરત,

સુરતનાં ડુમસ રોડ પાસેનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક યુવકે કારની ઉપર બેસીને સ્ટંટ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા ઉમરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર ચાલક અને સ્ટંટ કરનાર યુવકની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.આજના સમયમાં લોકો શોશ્યલ મીડિયામાં છવાઈ જવા માટે રીલ્સ અને શોર્ટ વિડીયો બનાવતા હોય છે અને આવા વિડીયો બનાવવા માટે જોખમી સ્ટંટ કરતા હોય છે.

યુવાનો પોતાના જીવના જોખમે પણ બાઈક-કાર સહિતના વાહ્હનો પર સ્ટંટ કરતા હોવાની રીલ્સ શોશ્યલ મીડિયામાં જોવા મળે છે. ત્યારે સુરતમાં આવો જ એક વિડીયો વાયરલ થયો હતો. સુરતના ડુમસ રોડ વેલેન્ટાઈન સિનેમા પાસે એક કાર પર બેસીને યુવકે સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા ઉમરા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે કીમ ખાતે રહેતા અને હોટલ માલિક એવા એઝાજ સલીમ શેખ અને તેના ભાઈ અઝહર સલીમ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, તેઓએ થોડા દિવસો પહેલા જ કાર ખરીદી હતી અને તેઓ ડુમસ વિસ્તારમાં ફરવા નીકળ્યા હતા તે વેળાએ આ વિડીયો બનાવ્યો હતો. આ મામલે પોલીસે બંને યુવાનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.