તિલકવાડા નગરમાં કલાત્મક તાજીયા બનાવી નગરમાં ઝુલુસ ફેરવીને મોહરમ પર્વની ઉજવણી કરાઇ

  • 6:34 pm July 30, 2023
વસિમ મેમણ | તિલકવાડા

 

ઇસ્લામ ધર્મમાં મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. હજરત પયગમ્બર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામેં તેમના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી હતી અને છેલ્લા 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ રહેલું છે. કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં પરંતુ કોઇ પણ અકીદાથી સંબંધિત વ્યકિત જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઇની સમર્થક છે, તે હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે

એટલે જ મોહરમ એ મુસ્લિમ બિરાદનો મુખ્ય તહેવાર છે. આ તહેવારની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે આ તહેવારમાં મુસ્લિમ બિરાદરો કલાત્મક તાજીયા બનાવે છે અને વિવિધ વિસ્તારમાં પાણીની પરબ લગાવી તથા ન્યાજ બનાવીને લંગર લોકોને તક્ષીમ કરતા હોય છે આ તહેવારની તિલકવાડા નગરમાં પણ ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપ ગત રોજ તિલકવાડા નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતિરિવાજ અનુસાર કલાત્મક તાજીયા બનાવીને નગર ના વિવિધ વિસ્તારોમાં ઝુલુસ ફેરવવામાં આવ્યું આ ઉજવણી દરમિયાન હિન્દુ મુસ્લિમ કોમી એકતા ના દ્રશ્યો પણ નજરે પડ્યા હતા દરેક ધર્મના લોકો તાજીયા પાસે આવી નારિયેળ અને ફૂલ ચડાવી નમન કરીને પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા. નગરના વિવિધ વિસ્તારોમાં જુલુસ નીકળતા સમગ્ર વિસ્તાર યા હુસેન યા હુસેન ના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો અને કડક પોલીસ બંદોબસ્ત સાથે સાજના સમયે નર્મદા નદીમાં તાજીયા વિસર્જન કરીને શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવી.