અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 1થી 7 ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

  • 6:40 pm July 30, 2023

 

અમદાવાદ,

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા જિલ્લામાં તા. 1 થી 7 ઓગસ્ટ, 2023 દરમિયાન “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તથા અમદાવાદ મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવનાર આ સપ્તાહમાં રાજયભરની મહિલાઓ અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે. અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સુત્રને સાકાર કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 1 ઓગસ્ટ 2023 થી તા. 7 ઓગસ્ટ, 2023 સુધી “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવશે. મહિલાઓ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા સપ્તાહમાં નીચે મુજબના દિવસોની ઉજવણી કરવામાં આવશે :

તા. 1 ઓગસ્ટ, 2023-‘મહિલા સુરક્ષા દિવસ’, તા. 2 ઓગષ્ટ, 2023-“બેટી બચાવો બેટી પઢાઓ દિવસ”, તા. 3 ઓગષ્ટ, 2023-“ મહિલા સ્વાવલંબન દિવસ’, તા. 4 ઓગષ્ટ, 2023- “મહિલા નેતૃત્વ દિવસ”, તા. 5 ઓગષ્ટ, 2023- “મહિલા કર્મયોગી દિવસ”, તા. 6 ઓગષ્ટ, 2023- “મહિલા કલ્યાણ દિવસ”, તા. 7 ઓગષ્ટ, 2023- “મહિલા અને બાળ આરોગ્ય દિવસ” 

અમદાવાદ જિલ્લાની મહિલાઓને બહોળા પ્રમાણમાં આ “નારી વંદન” સપ્તાહની ઉજવણીના દિવસોમાં સહભાગી થવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.