ગઢડાના કેરાળા ગામે સહસ્ત્ર ધરામાં ડૂબી જતા યુવકનું મોત
- 7:47 pm July 30, 2023
બોટાદ,
ગઢડા(સ્વામીના) તાલુકાના કેરાળા ગામે આવેલા સહસ્ત્ર ધરામાં નહાવા ગયેલા યુવકનું અજાણી જગ્યાએ ફસાઈ જતા મોત નિપજ્યુ હતુ.
તાજેતરમાં સારા વરસાદથી ચોમેર નદી નાળા પાણીથી છલકાઈ જતા સહેલાણીઓ કુદરતી સૌંદર્ય માણવા ઉમટી પડ્યા છે. પરંતુ મોજ મસ્તીમાં અજાણી જગ્યાએ નહાવા જતા પાણી અને જગ્યાની ગંભીરતાથી અજાણ રહેતા ડૂબી જવાથી મોત નિપજવાની ઘટના બનવા પામે છે. ગઢડાના કેરાળા ગામે આવેલા સહસ્ત્ર ધરામાં મિત્રો સાથે નહાવા ગયેલા ઘનશ્યામભાઈ મફતલાલ વાઘેલા (ઉં.વ.૧૮) રહે બોરસદ હાલ સાળંગપુર ગુરૂકુળ ખાતે ફરજ બજાવતા યુવકનું ડૂબી જતા મોત નિપજ્યું હતુ. આ ઘટનાને પગલે ગઢડા નગરપાલિકા ફાયર ટીમ, સ્થાનિક તરવૈયાઓ, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન ત્રણ ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા હોસ્પિટલ ખાતે મોકલી સગા સંબંધીઓને જાણ કરી હતી.