ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શંખેશ્વર મહાદેવ મંદિરનું ચોમાસા દરમિયાન ધોવાણ
- 8:24 pm July 30, 2023
ભરૂચ,
નદીની તદ્દન નજીક આવેલ મંદિરની જગ્યાનું સંરક્ષણ દિવાલના અભાવે મોટાપાયે ધોવાણ
સંરક્ષણ દિવાલ નહિ બનાવાય તો મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક શંખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઇ રહ્યું હોવાની વિગતો સામે આવી છે. આ શંખેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું ધોવાણ થઇ રહ્યું છે. આ સ્થળે મંદિરનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની જરુર છે. મંદિરના મહંતે જણાવ્યું કે વરસાદના કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઇ રહ્યો છે. આમને આમ રહેશે તો બે ચાર ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં આ અતિ પૌરાણિક મંદિર પણ જલ મગ્ન થઈ શકે છે, આમ થતા મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી. આ સ્થળ નદીની તદ્દન નજીકમાં હોવાથી જગ્યાનું થઇ રહેલું ધોવાણ અટકાવવા નદીમાં મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની જરુર છે, વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે ગયા વર્ષે લેખિતમાં રજુઆત પણ કરવામાં આવી હતી, ત્યારે મંદિરનું થઇ રહેલું ધોવાણ અટકાવવા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરુરી છે, ઉલ્લેખનીય છેકે આ પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ચાલુ ચોમાસા દરમિયાન પણ મંદિરની જગ્યાના કેટલાક ભાગનું ધોવાણ થયું છે. ત્યારે મંદિરનું ધોવાણ થતું અટકાવવા તાકીદે આ સ્થળે સંરક્ષણ દિવાલ બનાવાય તે ઇચ્છનીય છે.ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલા નર્મદા તટે રૂંઢ કૃષ્ણપરી ગામે આવેલ એક મંદિરનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો હોવાની ઘટના બની હતી, ત્યારે નર્મદા તટે આવેલ જે પૌરાણિક મંદિરોની જગ્યાનું ધોવાણ થવાની સમસ્યા ઉદભવે છે ત્યાં અસરકારક આયોજનો કરીને આવા મંદિરોની જગ્યાનું ધોવાણ થતું અટકાવાય તે જરુરી છે.