ઇડર વિજયનગર ત્રણ રસ્તાથી, વડાલી સુધી રોડનું કામ ખોરંભે
- 8:27 pm July 31, 2023
સાબરકાંઠા,
વડાલી વિજયનગર ત્રણ રસ્તા વચ્ચે છ કિમીના ફોરલેનનું માર્ગનું કામ છેલ્લા બે વર્ષથી ખોરંભે ચડતાં, માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતાં જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ખાડામાં મેટલ નાખી વેઠ ઉતારતા કામની પોલ માત્ર બે દિવસમાં ખુલી ગઈ હતી. તમામ ખાડાઓ ખુલ્લા થઈ ગયા હતા. ગત વર્ષે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે તંત્રે સરકારની આંખોમાં ધૂળ નાખવા તાત્કાલિક કાચો પાકો ડામર પાથરી દેવાયો હતો ત્યારબાદ આજ દિન સુધી ડામરનું કામ ન કરાતાં હાડકાં ખોખરા કરી નાખે તેવા, ઠેર ઠેર ખાડા પડી જતાં તંત્રએ ખાડામાં મેટલ પુરાણ કરી ખાડા પૂરવાનો ડોળ કર્યો હતો.
સવાલ એ થાય છે કે ઇડર વડાલીના ધારાસભ્ય રમણ વોરા હિંમતનગર પ્રેસ કોન્ફરન્સમાં દાવો કરી રહ્યા છે કે ધારાસભ્યની ચૂંટણી બાદ ઈડર વડાલીના મત વિસ્તારમાં 34 દિવસના પ્રવાસમાં અંદાજે 267 ગામોમાં 27630 મતદારોનો સંપર્ક કરી વિકાસના કામો અંગે સૂચનો મેળવ્યા હતા પણ રમણ વોરાને વિજયનગર ત્રણ રસ્તાથી વડાલી સુધીના માર્ગનું સૂચન કરવાનું કદાચ ભૂલી ગયા હશે.!
અમદાવાદ-અંબાજી હાઈવે હોવાથી થોડાક દિવસ સમયમાં ભાદરવી પૂનમના પગપાળા પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી રવાના થશે હજારો ભક્તો મોટી સંખ્યામાં રોડ પર જોવા મળશે ત્યારો રોડ પરના ખાડાઓના કારણે મોટી દુર્ઘટના નોતરશે! તંત્ર આળસ ખંખેરી, લોકોની હાલાકી નિવારવામાં રસ દાખવે અને તાકીદે જીવલેણ ખાડા પુરી રોડની યોગ્ય મરામતની કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.