રાધનપુર તાલુકાનાં અલ્હાબાદ વડલારા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય
- 8:51 pm July 31, 2023
પાટણ,
ઠેર ઠેર ગંદકી ફેલાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત
પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાનાં અલ્હાબાદ વડલારા ગામમાં ગંદકીનો માહોલ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભીખાભાઇ ભરવાડનાં જણાવ્યા મુજબ અહી ભરવાડ વાસમાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી. ગ્રામ પંચાયતને જાણ કરતા હકારાત્મક વલણ દર્શાવી રહ્યા છે. તેમજ ગામનાં સરપંચ તલાટી આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી અને અહીંયા ગંદકીનું સામ્રાજ્ય એટલું બની ચૂક્યું છે કે રોગચાળો ફેલાઇ રહ્યો છે તેમજ મચછરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. ઘણા સમયથી લઇને આ ભરવાડ વાસમાં રહેતા લોકો ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે.
ભરવાડ વાસથી સ્કૂલ જતાં બાળકો પણ આ ગંદકી માંથી ચાલીને જવા મજબૂર બન્યા છે. ઉંમર લાયક માણસો ઘણીવાર અહીંયા લપસી જતાં અકસ્માત સર્જાતા હોસ્પિટલ જવા મજબુર બન્યા છે પરંતુ ગ્રામ પંચાયત નાં પેટનું પાણી હલતું નથી. તલાટી સરપંચ દ્વારા ગામમાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી વરસાદી પાણી નો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી.તેમજ ગ્રામજનોની અનેક રજૂઆત બાદ પણ સતાધીશોનાં પેટનું પાણી હલ્યું નથી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા દવા છંટકાવ કરવામાં આવે તેમજ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ ગંદકી દૂર કરી સાફ સફાઈ કરવામાં આવે તેવી ભરવાડ વાસ નાં લોકોની માંગ ઉઠવા પામી છે.