ભરૂચ પાલિકાની સભામાં ખાડા, ખુલ્લી ગટરો, પાણી ભરાવો, હરાયા ઢોરો અને અધૂરા કામોના મુદ્દા ઉછળ્યા..
- 8:59 pm July 31, 2023
ભરૂચ,
શાસક પક્ષે માર્ગોના ખાડા અને અધૂરા કામો પૂર્ણ કરવાનો સુર આલાપ્યો
વિપક્ષે સાત દિવસમાં માર્ગો દુરસ્ત ન કરાય તો આંદોલનનો રાગ છેડયો
પાલિકા પ્રમુખ અમિત ચાવડાના કાર્યકાળની છેલ્લી સામાન્ય સભામાં તમામ 41 કામો સર્વાનુમતે મંજુર
ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાના કાર્યકાળની મળેલી છેલ્લી સામાન્ય સભામાં ખાડા, ખુલ્લી ગટરો, અધૂરા કામો, હરાયા ઢોરના પ્રશ્નો વિપક્ષે ઉઠાવ્યા હતા. વાદવિવાદ વચ્ચે પણ નગરપાલિકાના પ્રમુખની અંતિમ સભા શાંતિપૂર્ણ મહોલમાં સંપન્ન થઈ હતી
પાલિકા પ્રમુખ અમિત ચાવડાના કાર્યકાળની આજે સોમવારે મળેલી છેલ્લી સભામાં એજન્ડા પરના તમામ 41 કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા. સભામાં ભાજપ શાસકોએ રસ્તાના અધૂરા કામો, માર્ગો પર શહેરમાં પડેલા ખાડાઓ દુરસ્ત કરવાને પ્રાથમિકતા આપવાનો સુર આલાપ્યો હતો.
સાથે પાંચબત્તી - સેવાશ્રમ રોડના ₹3 કરોડના માર્ગની કાનગીરી અધૂરી છોડનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાયો હોવાની માહિતી આપી હતી. કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરી મુજબ 55 લાખ જેટલું જ ચુકવણું કરાયું હોવાનો પણ ફોડ પાડ્યો હતો.
વધુમાં તમામ 11 વોર્ડમાં ભૂતિયા ગેરકાયદે પાણીના જોડાણો શોધી તેને કાપી નાખવા તેમજ કાયદેસર કરવાની કામગીરી કરવાનો ચિતાર અપાયો હતો.વિપક્ષ કોંગ્રેસે સાડા ત્રણ કરોડના ફુરજા રોડ, ત્રણ કરોડના સેવાશ્રમ રોડની અધૂરી કામગીરી અને હલકી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. ખુલ્લી ગટરમાં બાળક પડવાનો બનાવ, બ્લોક બેસી જવા, માર્ગો પર ખાડા, હરાયા ઢોર મુદ્દે શું શાસકો લોકોનો જીવ જશે ત્યારે જ જાગશે તેવો કટાક્ષ કરી શાસકોને ભીંસમાં લીધા હતા.
સાત દિવસોમાં રસ્તા, ખુલ્લી ગટરો અને હરાયા ઢોરની સમસ્યા દૂર ન કરાઇ તો વિપક્ષે આંદોલન છેડવા પણ સભામાં હુકારો કર્યો છે. આજની સભામાં ઉપપ્રમુખ, મુખ્ય અધિકારી, શાસક અને વિપક્ષના નેતા, વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
ભરૂચ નગરપાલિકાના વિપક્ષ છીએ અનોખી કવિતા ભરૂચ ના વિકાસ ઉપર રજૂ કરી..
ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભામાં વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ એ પ્રજા ના પ્રાણ પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરવા અનોખા અંદાજ માં પંક્તિઓ રજૂ કરી સત્તાધીશો ને અરીસો બતાવવાનું કામ કર્યું હતુ.
."મને એ સમજાતુ નથી આવુ શાને થાય છે...?
3.5 કરોડનો ફુરજાનો રસ્તો કોન્ટ્રાકટરની મનમાનીના કારણે અધૂરો રહી જાય છે, અને ધબા ધબ લોકો ખુલ્લા ચેમ્બરમાં પડી જાય છે.
"મને એ સમજાતુ નથી આવુ શાને થાય છે...?
સેવાશ્રમના રસ્તા માટે પણ 3 કરોડ ખર્ચાય છે,
કોન્ટ્રાકટરની મનમાનીના કારણે ફરી એ રસ્તો પણ અધૂરો રહી જાય છે,
અને નગરપાલિકા પર સવાલો ઉભા થાય છે.
"મને એ સમજાતુ નથી આવુ શાને થાય છે...?
કરોડો ખર્ચીને પણ ખાડા પડી જાય છે,
કરોડો ખર્ચ્યા પછી પણ નગરપાલિકા બદનામ થાય છે.
"મને એ સમજાતું નથી આવુ શાને થાય છે...?
નગરપાલિકાની બેદરકારીના લીધે રસ્તા પર પડેલા ખાડા....પોલીસ પુરી જાય છે.
"મને એ સમજાતુ નથી આવુ શાને થાય છે...?
ઢોર ડબ્બા ખાલી રહી જાય છે,
અને ઢોરો રસ્તા પર અડિંગો જમાવી જાય છે.
"મને એ સમજાતુ નથી આવુ શાને થાય છે...?
પ્રજાજાનો ટેક્સ ભરી જાય છે,
તો પણ સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાઈ જાય છે.
"મને એ સમજાતુ નથી આવુ શાને થાય છે...?
નગરપાલિકાની પોતાની સાયખા ડમ્પિંગ સાઈડ છે,
છતાં ગેરકાયદેસર ડમ્પીંગ સાઈડ ઊભી કરાઈ છે.
"મને એ સમજાતુ નથી આવુ શાને થાય છે...?
અધૂરા મહેકમે સુશાસનના બળગા ફૂંકાય છે.
"દેવડીએ દંડાય છે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે
મને એ સમજાતું નથી આવું શાને થાય છે..