ઝાલોદ નગરપાલિકાના ઇ.ચીફ ઓફિસર દ્વારા નગરમાં ચાલતી સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈ ઓચિંતી વિઝિટ કરાઈ

  • 8:22 pm August 1, 2023
પંકજ પંડિત

 

ઝાલોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર કેટલીય વાર અલગ અલગ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતી હોવાની બુમ નગરજનો કરી રહ્યા છે તેને લઈ ઝાલોદ ભાજપના પ્રમુખ દિનેશ પંચાલ અને મહામંત્રી અનુપ પટેલ દ્વારા દાહોદ જિલ્લા ભાજપ પદાધિકારીઓની કમલમ ખાતે યોજાયેલ સંકલન મીટીંગમાં નગરની વિવિધ સમસ્યા જેમકે રોડ, નગરના પ્રવેશ દ્વાર, વરસાદી પાણીના નિકાલ, ભૂગર્ભ ગટરની સફાઈ, લાઇટને લઈ રોજીંદી સમસ્યાનો મુદ્દો દાહોદ જીલ્લા પ્રભારી સતીષભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર, ઝૉન મહામંત્રી નરેન્દ્રભાઈ સૉની તેમજ ઉપસ્થિત ભાજપ પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા આ સમસ્યાઓ દૂર કરવા દાહોદ જિલ્લા પદાધિકારીઓ દ્વારા ટેલીફોનીક રીતે ઝાલોદ નગરના લાગતા વળગતા અધિકારીઓ સાથે ચર્ચા કરી સમસ્યાઓનું સમાધાન કરવા માટે કહ્યું હતું. જિલ્લા પ્રભારી સતીષ ભાઈ પટેલને લોકોમાં નગરપાલિકા વિશે શું રીવ્યુ છે એની વિસ્તૃતમાં અનુપભાઈ પટેલે ચર્ચા કરી હતી. ત્યારબાદ ઇ.ચીફ ઓફિસર દીપસિંહ હઠીલાએ રાત્રે એક્શન મોડમાં આવી. સંતરામપુરથી સ્ટાફ બોલાવી તાત્કાલિક લાઈટ ચાલુ કરવાનું સૂચન આપ્યું હતું. મુવાડામાં 3 વિસ્તારમાં 45 દિવસથી લાઈટ બંધ હતી અને સ્ટાફ બહાના કાઢી રહ્યા હતા. મહામંત્રી દ્વારા  જિલ્લામાં રજુઆત કરતા એ 2 દિવસમાં ચાલુ કરવાની બાંહેધરી આપી છે.

ઝાલોદ નગર પાલિકાના ઇ.ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા દ્વારા નગરપાલિકાના લાઇટમેન અને કિશોરભાઈને સાથે રાખી નગરપાલિકા ઝાલોદ વિસ્તારના ભાજપ શહેર પ્રમુખ દિનેશ પંચાલ, મહામંત્રી અનુપ પટેલ, પૂર્વ કાઉન્સિલર ટપુ વસૈયા ,બટુલ ડામોરને સાથે જોડી નગરના દરેક વિસ્તારોની ઓચિંતી વિઝિટ રાત્રીના 8:30 વાગે કરવા નીકળ્યા હતા અને કયા કયા વિસ્તારોમાં ક્યાં ક્યાં લાઇટ કેમ બંધ છે તે અંગે નગરની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. નગરની વિઝિટ દરમ્યાન લગભગ દરેક વિસ્તારોમાં લાઇટ ચાલુ જોવા મળ્યા હતા અને જ્યાં લાઇટ બંધ છે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ વિશે માહિતી મેળવી કાયમી ધોરણે લાઇટ ચાલુ કરવા માટે નિર્દેશ નગરપાલિકાના સ્ટાફને આપ્યા હતા.