ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની બદલી થતા પોલીસ વિભાગ સહિત વહીવટી તંત્રની ટીમ દ્વારા વિદાઇ અપાઈ
- 8:53 pm August 1, 2023
ડાંગ,
ગુજરાતના છેવાડેનાં ડાંગ જિલ્લામાં દૂધમાં સાકરની જેમ ભળી જઈ કર્મનિષ્ઠ ભૂમિકા અદા કરનાર ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની બદલી થતા પોલીસ વિભાગ સહિત વહીવટી તંત્રની ટીમે સન્માન સમારોહ યોજી અશ્રુભીની આંખે વિદાઈ અર્પણ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં ગૃહ વિભાગે થોડા દિવસો પૂર્વે 70 જેટલા આઈ.પી.એસ.અને જી.પી.એસ કક્ષાનાં અધિકારીઓનો બદલીનો ગંજીપો ચિપ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવનાર રવિરાજસિંહ જાડેજા આઈ.પી.એસની પણ ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં એસ.પી તરીકે બદલી કરાઈ છે. ડાંગ જિલ્લામાં સાડા ત્રણ વર્ષથી પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ રવિરાજસિંહ જાડેજા આઈ.પી.એસની કર્તવ્યનિષ્ઠ કામગીરી, પોલીસ વિભાગનાં કર્મચારીઓ સાથેનું સુમેળભર્યું સંકલન તથા ડાંગ વહીવટી તંત્રનાં તમામ અધિકારી અને કર્મચારીઓ સાથે કોઠાસૂઝ પૂર્વકની કામગીરી સૌ કોઈનાં આંખે ઉડીને વળગી હતી. ડાંગ જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકેનાં કાર્યકાળ દરમ્યાન રવિરાજસિંહ જાડેજા આઈ.પી.એસ અધિકારીએ ડાંગની ભોળી પ્રજાનાં રિતિ રિવાજો અને પરંપરાઓને જાણી સમજીને આ ગરીબ પ્રજાને કનડગત ન થાય તે માટેનાં હકારાત્મક પ્રયત્નો હાથ ધરી જિલ્લામાં ક્રાઈમરેટનો રેસિયો ઓછો કરવા મહત્તમ ભાગ ભજવ્યો છે.તેઓનાં કાર્યકાળ દરમ્યાન ડાંગ જિલ્લાને ટેનિસ કોટની ભેટ પણ આપતા ગયા છે.
ડાંગ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઉચ્ચ હોદા પર હોવા છતાંય કર્મચારીઓ કે આમજનતાને કોઈ પણ દિવસ તેઓ અધિકારી નહી પરંતુ પ્રજાનો સાચા અર્થમાં મિત્રની સાર્થક ભૂમિકા અદા કરી હતી. ડાંગ જિલ્લામાંથી પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની બદલી થતા આજરોજ ડાંગ જિલ્લાનાં પોલીસ હેડક્વાર્ટરનાં હોલમાં જિલ્લા કલેકટર મહેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને સન્માનની સાથે વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત, જિલ્લા કલેકટર મહેશભાઈ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી આર.એમ ડામોર,ઉત્તર ડાંગનાં ડી.સી.એફ દિનેશભાઇ રબારી,નિવાસી કલેકટર એસ.ડી.તબિયાર,નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી.પાટીલ,જીગ્નેશ ગામીતનાઓએ બદલી પામી સન્માન સાથે વિદાઈ લઈ રહેલ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા આઈ.પી.એસને શ્રીફળ આપી શાલ ઓઢાઢીને સન્માનિત કર્યા હતા.અહી ઉપસ્થિત અધિકારીઓએ ડાંગ પોલીસ અધિક્ષકની કુશળ કામગીરી, તેઓનો નિખાલસ સ્વાભાવ,કર્મચારીઓ પ્રત્યેની સંવેદના અને ડાંગવાસીઓ માટે કરેલ કામોને અવગત કરી ભારોભાર પ્રંસસા વ્યક્ત કરી તેઓની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેવી શુભેચ્છાઓ અર્પણ કરી હતી.સાથે ડાંગ જિલ્લાને નિખાલસ અધિકારીની ખોટ સાલશેનું જણાવ્યુ હતુ.પોલીસ એ શિસ્તબદ્ધ અને કેડરબેઝ વિભાગ છે.ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ફરજકાળ દરમ્યાન નિખાલસ અને નાના કર્મચારીઓ પ્રત્યે સંવેદના દાખવનાર અધિકારી હોય જેથી આ અધિકારીની બદલી થતા સન્માન અને વિદાઈ સમારોહમાં પોલીસકર્મીની આંખો અશ્રુથી ભરાઈ ગઈ હતી.ડાંગ જિલ્લાનાં પોલીસ કર્મીઓએ વિદાઈ લઈ રહેલ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાને ખભા પર બેસાડી તેના પર ફૂલોનો વરસાદ કર્યો હતો.સાથે પારંપરિક વાજિંત્રો સાથે સન્માનભેર ખુલી જીપમાં બેસાડી પોલીસકર્મીઓએ આ જીપને દોરડા વડે હેડક્વાર્ટરનાં ગેટ સુધી ખેંચી લઈ જઈ તેઓની લાગણી વ્યક્ત કરી વિદાઈ અર્પણ કરતા એસ.પી.રવિરાજસિંહ જાડેજા પણ ભાવુક થયા હતા.ડાંગ જિલ્લાનાં ઇતિહાસમાં ઘણા સનદી અને આઈ.પી.એસ અધિકારીઓની બદલી અને નિવૃત્તિ થઈ છે.પરંતુ ડાંગ જિલ્લાનાં ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ આઈ.પી.એસ અધિકારીને માન અને સન્માન સાથે બદલીની વિદાઈ મળી હોય તો એ અધિકારી રવિરાજસિંહ જાડેજા છે તેમ કહી શકાય.અને ડાંગ જિલ્લામાં કેટલાય અધિકારીઓની બદલી થઈ પરંતુ કોઈ રડ્યુ નથી.પરંતુ ડાંગ જિલ્લાનાં એસ.પી.રવિરાજસિંહ જાડેજા આઈ.પી.એસની બદલી થતા ડાંગ પોલીસ વિભાગનાં નાના કર્મીઓ રીતસર રડી પડ્યા હતા.જે રવિરાજસિંહ જાડેજા આઈ.પી.એસની કર્મચારીઓ અને પ્રજા પ્રત્યેની લાગણી ઉભરી આવી હતી.ડાંગ જિલ્લા એસ.પી રવિરાજસિંહ જાડેજાની બદલીનાં સન્માન સમારોહમાં ડાંગ વહીવટી તંત્રનાં અધિકારીઓ, પોલીસ વિભાગ, સમાજશ્રેષ્ઠીઓ, આગેવાનો અને મીડીયાનાં મિત્રોએ ઉપસ્થિત રહી શ્રીફળ,મોમેન્ટો અને શાલ ઓઢાઢી સન્માનિત કરી વિદાઈ અર્પણ કરી હતી.