ડુમસ સી-ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે મ્યુનિસિપલ કમિશનર મેદાનમાં ઉતર્યા

  • 9:08 pm August 1, 2023
સુનિલ ગાંજાવાલા | સુરત

 

સુરત,

પાલિકાએ ઘણા લાંબા સમયથી ડુમસમાં સી-ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેનો સળવળાટ શરૂ કર્યો છે. હવે જમીન મેળવવા માટેની પ્રક્રિયાનો પહેલો તબક્કો પાર થઈ ગયો હોવાથી પ્રોજેક્ટના પહેલા ફેઝ માટેની તજવીજ પહેલાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સોમવારે ફિલ્ડ વિઝિટ કરી હતી. તેમણે પ્રોજેક્ટના પ્લાનિંગમાં પાર્કિંગ અને મહિલાઓ માટેના શૌચાલયના મુદ્દાને ધ્યાને લેવાની તાકીદ કરી હતી.

સુરત શહેર દરિયા કાંઠે આવેલું શહેર છે. સુરતીઓની ઓળખ પણ હરવા ફરવા અને ખાણીપીણીના શોખીન તરીકે છે. સુરત શહેરમાં અન્ય કોઈ વધારે પર્યટન સ્થળ નથી. ત્યારે માત્ર સુરતના લોકો તેમજ દક્ષિણ ગુજરાતના લોકો માટે દરિયાઈ કિનારા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહે છે. સુરત નજીક ડુમસ અને સુવાલી દરિયા કિનારે લોકો વેકેશન દરમિયાન અને વિક એન્ડમાં ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. એટલે પાલિકાએ ડુમસ સી ફેસને ફરવા ફરવા માટેનું સ્થળ બનાવવા રાજ્ય સરકાર સાથે તૈયારી કરી છે. ડુમસ બીચ ખાતે આવેલા દરિયા ગણેશના મંદિર પાસે પ્રોજેક્ટ અંતર્ગત જાહેર જનતાને ચાલવા માટેની જગ્યા તથા બેસવા માટેની સુવિધા ઉભી કરવામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે કમિશનરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લઈને કેટલાંક મહત્વના સુચન પણ કર્યા હતા. ખાસ કરીને જ્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ડુમસ બીચ ઉપર આવે ત્યારે મોટાપાયે પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે. ઉપરાંત પે એન્ડ યુઝનું પણ આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. અત્યારે પણ જ્યારે ડુમસ બીચ દરિયા કિનારે પરિવાર સાથે લોકો ફરવા આવે છે ત્યારે મહિલાઓ માટે શૌચાલયની વ્યવસ્થા ન હોવાને કારણે મુશ્કેલી સર્જાય છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બે મુદ્દાઓને લઈને પણ અધિકારીઓને ખાસ સુચનો કર્યા હતા.