વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોમાં મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે ગણેશ ઉત્સવ દરમિયાન જનજાગૃતિ કરવામાં આવી

  • 10:09 pm September 23, 2023

 

ગણેશ ચતુર્થીના પાવન દિવસથી અમદાવાદ જિલ્લાના વિવિધ ગામો સહિત દેશભરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં હોવાથી લોકોને આધ્યાત્મની સાથે આરોગ્યલક્ષી શિક્ષણ આપવાની અનોખી પહેલ અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગ, મેલેરિયા શાખા દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી એમ કે દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોમાં ગણપતિ ઉત્સવ દરમિયાન જે સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે તેવા સમયે આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આશા સહિતના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ કામગીરીનું સુપરવાઇઝર, તાલુકા અને જિલ્લા કચેરીએથી સપોર્ટ સુપરવિઝન પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં ગણપતિ ઉત્સવ દરમિયાન એક સાથે એક થીમ "વિઘ્નહર્તાના લઈ આશીર્વાદ, વધુ એક કદમ મેલેરિયા એલિમિનેશન તરફ" અંતર્ગત પ્લે કાર્ડ, સ્ટીકર, બેનર્સ, પત્રિકા સહિતના આઈ.ઇ.સી સાહિત્યનો ઉપયોગ કરીને લોકોમાં જનજાગૃતિ કરવામાં આવી રહી છે.  વિઘ્નહર્તા ભગવાન ગણેશજીના આશીર્વાદથી આપણે ચોક્કસ મેલેરિયા એલિમિનેશન તરફ વધુ એક કદમ આગળ વધીશું. તેમ નરેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા મેલેરિયા અધિકારી - અમદાવાદે જણાવ્યું હતું.