સુરત ટપાલ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ નિમિત્તે વિશ્વ ટપાલ દિવસ, સેવિંગ બેંક દિવસ, મેઈલ્સ દિવસ, ફિલાટેલી દિવસ અને વેપાર વાણિજ્ય દિવસ ઉજવણી કરાશે

  • 10:22 pm October 8, 2023

 

સુરત,

’તા.૯થી ૧૩ ઓક્ટોબર : રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ’

‘તા.૯ ઓક્ટોબરને વિશ્વભરમાં ‘વિશ્વ ટપાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ‘ભારતીય ડાક વિભાગ’ દ્વારા છેલ્લા ૧૫૦ વર્ષોથી અવિરત કાર્યરત ટપાલ સેવાની મહત્વની ભૂમિકા વિષે જાગૃતિ લાવવા દેશભરમાં તા.૯ થી ૧પ ઓકટોબર સુધી ‘રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે સુરત ટપાલ વિભાગ દ્વારા ૯ ઓકટોબરે વિશ્વ ટપાલ દિવસ, ૧૦મીએ સેવિંગ બેંક દિવસ, ૧૧મીએ મેઈલ્સ દિવસ, ૧રમીએ ફિલાટેલી દિવસ અને ૧૩મીએ વેપાર વાણિજ્ય જેવા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવશે. 

તા.૯ ઓકટો.એ ‘વિશ્વ ટપાલ દિવસ’ હેઠળ મહિધરપુરા અને નાનપુરાની મુખ્ય શાખા દ્વારા શાળાના બાળકોને પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવી પોસ્ટની કામગીરી સમજ અપાશે, તેમજ તમામ સ્ટાફગણ માટે ઓફિસની સફાઈ, ગ્રાહક સાથે સંવાદ માટેની સામાન્ય હાવભાવની સોફ્ટ સ્કીલ્સ અંગેના વર્કશોપનું આયોજન કરાશે. સાથે જ વર્લ્ડ પોસ્ટલ દિવસના પોસ્ટરનું વિતરણ કરાશે. 

તા.૧૦મીએ ‘સેવિંગ્સ બેન્ક દિવસ’ કે જેને ‘વિત્તિય સશક્તિકરણ દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ઉજવણી અંતર્ગત સિનિયર સિટીઝન, સરકારી કર્મચારીઓ અને શાળા/ કોલેજોના બાળકોને નાની બચત યોજના વિષે સમજૂતી આપવા માટે વિષેશ કાર્યક્રમો યોજાશે, તેમજ વિવિધ પોસ્ટલ સેવિંગ્સ યોજના અને તેના લાભો વિષે લોકોને જાગૃત કરવાના હેતુસર શિબિર અને મેળાઓ યોજાશે. 

તા. ૧૧મીએ ‘ફિલાટેલી દિવસ’ અંતર્ગત ડિજિટલ ભારત મિશન હેઠળ શાળાઓમાં ‘ઢાઈ આખર’ વિષય પર વિદ્યાર્થીઓએ સાથે સંવાદ યોજાશે. ફિલાટેલીનો અર્થ ટિકિટોના સંગ્રહનો શોખ થાય છે. જેથી તેની ઉજવણીના ભાગરૂપે સુરત ટપાલ વિભાગ દ્વારા ટિકિટોના સંગ્રહને પ્રોત્સાહન આપવા ખાસ સેમિનાર યોજાશે.

તા.૧૨મીએ ઉજવાતા ‘મેઈલ્સ એન્ડ પાર્સલ દિવસ’ના અનુસંધાને બેન્ક, કોર્પોરેટ ઓફિસ તેમજ અન્ય કાર્ય સ્થળની મુલાકાત લઈ ગ્રાહક સભાઓ યોજી મેઈલ્સ અને પાર્સલની પ્રવૃતિઓ વિષે જાગૃતતા વધારવામાં આવશે. 

તા.૧૩ ઓકટો.એ ઉજવાતા ‘અંત્યોદય દિવસ’ અંતર્ગત ગરીબ અને પછાત વર્ગના લોકો સાથે આ યોજના અંગે સંવાદ કાર્યક્રમ યોજાશે. સાથે ગ્રામ્ય, અંતરિયાળ અને શહેરી પછાત વિસ્તારમાં નવા આધાર કાર્ડ બનાવવા તેમજ અપડેટ કરવા માટે વિવિધ કેમ્પ યોજવામાં આવશે, ઉપરાંત, વિવિધ કાર્યક્રમો હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સોશિયલ સિક્યોરિટી પેન્શન, જન સુરક્ષા અને સુકન્યા સમૃદ્ધિ યોજના વિષે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાશે. આમ, રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી હેઠળ પોસ્ટલ વિભાગની વિવિધ યોજનાઓ અને તેના લાભો વિષે લોકોને અવગત કરી ટપાલ વિભાગ-સુરત દ્વારા વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવશે.