જિલ્લાકક્ષા/મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે

  • 9:07 pm December 30, 2023

 

જિલ્લાકક્ષા (ગ્રામ્ય) સ્પર્ધા તા.૦૨/૦૧/૨૦૨૪ થી ૦૩/૦૧/૨૦૨૪ અને મહાનગરપાલિકાકક્ષા (શહેર) સ્પર્ધા તા.૦૪/૦૧/૨૦૨૪ થી ૦૫/૦૧/૨૦૨૪ દરમ્યાન શિશુવિહાર સંસ્થા ખાતે યોજાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા વહિવટી તંત્ર-ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ કલા મહાકુંભ સ્પર્ધા યોજાનાર છે.

આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, વયજુથની કુલ ૨૩ સ્પર્ધાનું આયોજન થનાર છે. જિલ્લાકક્ષા /મહાનગરપાલિકાકક્ષાએ સુગમ સંગીત, સમુહગીત, લગ્નગીત, લોકગીત/ ભજન, ગરબા, રાસ, લોક નૃત્ય, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સ્કુલ બેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠય સંગીત, ઓરગન સ્પર્ધાઓનું આયોજન થશે. જેમાં ભાવનગર જિલ્લાકક્ષા (ગ્રામ્ય) સ્પર્ધાનું આયોજન તા.૦૨/૦૧/૨૦૨૪ થી ૦૩/૦૧/૨૦૨૪ દરમ્યાન શિશુવિહાર સંસ્થા, ભાવનગર ખાતે યોજાશે, જ્યારે ભાવનગર મહાનગરપાલિકાકક્ષા (શહેર) સ્પર્ધાનું આયોજન તા.૦૪/૦૧/૨૦૨૪ થી ૦૫/૦૧/૨૦૨૪ દરમ્યાન શિશુવિહાર સંસ્થા, ભાવનગર ખાતે યોજાશે. 

જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધક સૌરાષ્ટ્ર ઝોન (પ્રદેશકક્ષા) સ્પર્ધામાં ભાગ લેવા જશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.