ઝઘડિયા રાણીપુરા વચ્ચે ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે ૬ માસના બાળ દિપડાનુ મોત
- 8:33 pm January 5, 2024
રાતના ૮ વાગ્યાના અરસામાં રોડ પર આવી ગયેલ બાળ દિપડાને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત થયું
અગાઉ ગોવાલી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે ૩ માસના બાળ દીપડાનું મોત થયું હતું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં અવારનવાર દિપડાઓ નજરે પડતા હોયછે. તાલુકામાં લાંબા સમયથી દિપડાઓની વસતિ જોવા મળે છે. દિપડાઓ ખોરાકની શોધમાં માનવ વસાહતો નજીક આવી જતા હોય છે. તેમજ ખોરાકની શોધમાં રાત્રી દરમિયાન ધોરીમાર્ગ પર પણ આવી ચઢતા હોય છે. ઘણીવાર ધોરીમાર્ગ પર દિપડાઓ વાહનોની અડફેટમાં આવી જતા હોવાના બનાવો પણ ભુતકાળમાં બન્યા છે, અગાઉ ગોવાલી ગામ નજીક ૩ માસના બાળ દિપડાંનું કોઈ અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હતું અને ગઈકાલની ગુરૂવારની રાત્રી દરમિયાન ઝઘડિયા રાણીપુરા ગામ નજીક સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ને જોડતા માર્ગ પર દિપડો તથા તેનુ છ માસ જેટલી ઉંમરનું બચ્ચું ધોરીમાર્ગ ક્રોસ કરતા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા બાળ દિપડાનુ મોત નિપજ્યુ હતુ.ઘટના અંગે ઝઘડિયા વનવિભાગને જાણ થતાં વનવિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી બાળ દિપડાના મૃતદેહનો કબજો મેળવીને તેનું પીએમ કરાવી નિયમ મુજબ અંતિમ સંસ્કાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે દિપડાઓ મોટાભાગે શેરડીના ખેતરોમાં વસવાટ કરતા હોય છે, હાલ શેરડી કટીંગની સીઝન ચાલતી હોઇ દિપડાઓ પરિવાર સાથે નવા આશ્રયસ્થાનોની શોધમાં બહાર નીકળતા હોય છે. જ્યાં દિપડાની હાજરી જણાતી હોય તેવા સ્થળોએ વનવિભાગ દ્વારા પાંજરાઓ ગોઠવી દિપડાઓને પકડીને સલામત સ્થળે છોડવામાં આવતા હોય છે.