સુરત: રામુ વર્મા નામના યુવકની બોથર્ડ પદાર્થ વડે કૌટુંબિક ભાઈઓએ જ કરી હત્યા, 2800 રૂપિયાની લેતી દેતીમાં થઈ હત્યા

  • 8:56 pm January 5, 2024
એજાજ શેખ | સુરત

 

સુરતના પાંડેસરમાં રામુ વર્મા નામના યુવકની બોથર્ડ પદાર્થ વડે હત્યા કરવાની ઘટના સામે આવી હતી. આ હત્યા કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી.સમગ્ર ઘટનાની વિગત જોવા જઈએ તો મારુતિ નગર સોસાયટીમાં રહેતા રામુ વર્માના ફોઈના દીકરા બંસીલાલ વર્માએ અડાજણ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના 2800 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા.જેથી રામુ અને બંસીલાલ બંને અડાજણ સ્થિત શક્તિલાલને ત્યાં ગયા હતા અને તેની પાસે રહેલા મોબાઈલ છીનવી લઈ આવ્યા હતા.

જે બાદ રૂપિયા આપી મોબાઈલ લઈ જવા જણાવ્યું હતું.જે બાદ શક્તિલાલ વર્મા અને તેનો મિત્ર અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરા પાંડેસરા સ્થિત મારુતિ નગર સોસાયટી ખાતે રહેતા બંસીલાલને ત્યાં આવ્યા હતા.જ્યાં બંસીલાલ જોડે શક્તિ લાલ અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરાએ માથાકૂટ કરી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શક્તિલાલ અને અનંતરામે ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા રામુ વર્મા પર બોથર્ડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.જે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામુ વર્માનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા શક્તિલાલ અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરા વિરુદ્ધ રામુ વર્માની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન પાંડેસરા પોલીસે હત્યાની આ ઘટનામાં સંડોવાયેલા આરોપી શક્તિલાલ વર્મા અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરાને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.