સુરત : ડીંડોલીમાં બ્રિજ પર ટેમ્પો પાછળ બાઈક ભટકાતા યુવકનું મોત, પરિવારના એકના એક દિકરાનું મોત

  • 9:00 pm January 5, 2024
એજાજ શેખ | સુરત

 

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ફ્લાય ઓવરબ્રિજ ઉપર બનેલી અકસ્માતની ઘટનામાં પરિવારના આશાસ્પદ યુવાનનું કરુણ મોત નિપજ્યું છે.

ડીંડોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ચંદ્રકાંત તુકારામ પાટીલ નામનો વિદ્યાર્થી પુણે ખાતે છેલ્લા ચાર વર્ષથી બીએસસીનો અભ્યાસ કરે છે. સુરત ખાતે રહેતી માતાનું ઓપરેશન હોવાથી પુણેથી તે સુરત આવ્યો હતો. ગત રોજ ડીંડોલી વિસ્તારમાં રહેતા મિત્રનો જન્મદિવસ હતો અને પોતે અન્ય બે મિત્રો સાથે મોટર સાયકલ પર સવાર થઈ ટ્રિપલ સવારી ચા પીવા માટે ગયો હતો. જે દરમ્યાન પુરપાટ ઝડપે રહેલી ત્રણેય મિત્રોની મોટર સાયકલ આગળ જતા ટેમ્પો જોડે ભટકાઈ હતી. જે અકસ્માતની ઘટનામાં ચંદ્રકાન્તનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રોની નાની-મોટી સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ડીંડોલી પોલીસે અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી પરિવારને જાણ કરી હતી. પુત્રના અકાળે મોતના પગલે પરિવારજનો ઘેરાશોકમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટના અંગે ડીંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.