મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યા રામમંદિરના પ્રાંગણમાં પ્રસ્થાપિત થનાર નગારાની પૂજનવિધિ કરી
- 9:02 pm January 5, 2024
ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયું 56 ઇંચનું સોનાના વરખ સાથેનું વિશાળ અને કલાત્મક નગારું
અમદાવાદના દરિયાપુર ખાતે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા નગારાના પૂજનવિધિ કાર્યક્રમ બાદ 1 કિલોમીટરની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુર ખાતે ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયેલા અને અયોધ્યા રામમંદિર ખાતે મોકલવામાં આવનાર વિશાળ અને કલાત્મક નગારાનું પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ નગારાની પૂજાવિધિ બાદ ઘંટનાદ કરીને નગારાને રામમંદિર માટે અર્પણ કર્યું હતું. રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત જનમેદનીએ જયશ્રી રામના નારા સાથે વાતાવરણને જીવંત બનાવ્યું હતું. અયોધ્યા રામમંદિરના પ્રાંગણમાં પ્રસ્થાપિત થનારા 56 ઇંચના આ નગારામાં સોનાના વરખનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીનું અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા સ્વાગત કરીને તેમને અયોધ્યાથી લાવવામાં આવેલી રામ દરબારની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. જેના ભાગરૂપે દેશભરમાં ધાર્મિક સંસ્થાનો અને સમાજો દ્વારા વિવિધ તૈયારીઓ ચાલી રહી છે. નગારાના પૂજનના આ પ્રસંગે ધારાસભ્યો કૌશિકભાઈ જૈન, અમિતભાઈ ઠાકર, દર્શનાબેન વાઘેલા તથા સ્થાનિક કોર્પોરેટરઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.