કાલોલમાં પેશાબ કરવા બાબતે થયેલા ઝઘડાના સમાધાન કર્યા પછી વિરોધીઓએ ગેરકાયદે મંડળી રચીને ઘસી આવી મારામારી કરતા ત્રણ વ્યક્તિઓને ઇજા
- 5:27 pm January 7, 2024
કાલોલમાં ગત ૩૧ ડિસેમ્બરે રસ્તામાં પેશાબ કરવા બાબતે થયેલા ઝઘડા અંગે ચાર પાંચ દિવસે સમાધાન કર્યા પછી સાંજે વિરોધીઓએ ગેરકાયદે મંડળી રચીને અચાનક ઘસી આવી મારામારી કરતા ફરિયાદી પક્ષના ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચાડી ફરાર થઈ જતાં મારફાડ કરતા ત્રણ ઈસમો સહિત આખી ગેરકાયદે મંડળી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેરના સુસાનદીપ સોસાયટીમાં રહેતા ફરિયાદી મિતેશસિંહ બળવંતસિંહ સોલંકી અને તેમના બે ભાઈઓના સંયુક્ત પરિવારથી કાલોલ જીઆઇડીસીમાં પોતાની ધંધાકીય ફેક્ટરી ચલાવતા હોય જે મધ્યે તા-૩૧/૧૨/૨૦૨૩ની સાંજે આઠેક વાગ્યાના સુમારે સ્ટેશન રોડ પરની પાણીની ટાંકી પાસે આશરે દસેક માણસો રોડની સાઈડમાં તાપણું કરી તાપતા હતા તેવામાં ફરિયાદીનો ભાણો અને તેનો મિત્ર બન્ને તાપણા નજીકમાં પેશાબ કરવા ઉભા રહેલા ત્યારે તાપણું કરતા ટોળાના માણસોએ ભાણા અને તેના મિત્ર સાથે મારામારી કરીને નાસી ગયેલા. જેથી એ ઝઘડાના સમાધાન માટે તા-૦૫/૦૧/૨૦૨૪ના રોજ બપોરના સમયે બન્ને પક્ષોના માણસોએ ભેગા મળીને સમાધાન કરી બન્ને પક્ષો છુટા પડી ગયા હતા. જેથી ઝઘડાનું સમાધાન કરીને ફરિયાદી પક્ષના ત્રણેય ભાઈઓ અને એક ભત્રીજો ચારેય તેમની ફેક્ટરીમાં ગયા હતા ત્યારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં સમાધાન કરીને ગયેલા સામે પક્ષના સોળેક જેટલા માણસો તેમની મોટરસાયકલો તેમજ રીક્ષામાં ફેક્ટરી ખાતે ઘસી આવી તમારો ભાણો ક્યાં છે તેવું કહીને ગાળાગાળી કરી ઉશ્કેરાયેલા ટોળાએ ત્રણેય ભાઈઓ અને ભત્રીજા પર લાકડી, ડંડા અને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ટોળું ફેક્ટરી બહાર નાસી ગયા હતા. આ હુમલામાં ભત્રીજાને માથાના ભાગે અને બે ભાઈઓને નાની મોટી ઈજાઓનો ભોગ બનેલા ત્રણેય ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત મારામારી અને ખેંચતાણ દરમ્યાન ફરિયાદીના જમણા હાથે પહેરેલી સોનાની લક્કી અને વીંટી પણ ગાયબ હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ સારવારને અંતે કાલોલ પોલીસ સ્ટેશનમાં પહોંચી હુમલો કરીને આવેલા ટોળા પૈકીના સમાધાન સમયે થોડા ઘણા પરિચિત એવા અજય વિક્રમસિંહ, ધર્મેશ ઉર્ફે ભૂરો અને બાબુ વિજય સોલંકી એમ ત્રણ વ્યક્તિઓને ઓળખતા હોવાને આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોર ટોળા પૈકીના અજયસિંહ વિક્રમસિંહ (૨) ધર્મેશ ઉર્ફે ભૂરો ૩) બાબુ વિજય સોલંકી (ત્રણેય રહે. કાલોલ) સહિત ટોળાના અન્ય અજાણ્યા માણસો વિરુદ્ધ રાયોટીંગ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.