સુરત જિલ્લામાં બાળમજૂરી નાબુદી અંતર્ગત જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

  • 7:20 pm January 11, 2024

 

ડિસેમ્બર મહિના દરમિયાન છ રેડ કરીને ૧૬ તરૂણ શ્રમિકોને મુક્ત કરાયા

માંડવીમાં ગોળના કોલાઓમાં કામ કરી રહેલા નવ તરૂણોને મુક્ત કરાયા

સુરત જિલ્લા બાળ મજૂરી નાબુદી અને ટાસ્ક ફોર્સ, બાળશ્રમિક પુનઃવસન કલ્યાણનિધિ અને સંચાલન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં કલેકટરશ્રીએ ટેક્ષટાઈલ માર્કેટની દુકાનોમાં સમયાંતરે રેડ કરીને બાળ શ્રમિકોને મુક્ત કરવા જણાવ્યું હતું. મદદનીશ શ્રમ આયુકત એસ.એસ.શાહે વિગતો આપતા કહ્યું કે, ડિસેમ્બર મહિના દરમિયાન શહેર-જિલ્લામાં છ રેડ કરીને ૧૪ થી ૧૮ વર્ષની વચ્ચેના ૧૬ તરૂણ શ્રમિકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં માંડવી તાલુકાના તડકેશ્વર, નૌગામા તથા કેવડીયા પાટીયા ખાતે ગોળ બનાવવાના કોલાઓમાં રેડ કરીને નવ તરૂણોને મુક્ત કરાયા હતા. જયારે માંગરોળના સિયાલજ તથા કામરેજના ઉભેળ ખાતેથી હોટલ-રેસ્ટોરન્ટ ખાતેથી બે તરૂણો તેમજ શહેરના રાંદેર, ભેંસાણ સ્થિત ખાણી-પીણીના સ્ટોલ પરથી એક, ઉમરવાડા બોમ્બે માર્કેટની સાડી વેચાણની દુકાનોમાંથી બે, રૂદરપુરામાં બેગ થેલાની કામગીરીમાંથી એક તરૂણ શ્રમિકને મુક્ત કરાયા છે, જેમાં મોટા ભાગના તરૂણ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાનું જણાવ્યું હતું.

બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, માહિતી વિભાગ તથા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.