વાગરા: વિલાયત GIDC ની ગ્રાસીમ કંપનીના ભંગારકાંડમાં વોન્ટેડ બે આરોપી પૈકીનો એક ઝડપાયો
- 8:50 pm January 11, 2024
ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ; ત્રણ ને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા
રોયલ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર અને સ્ક્રેપ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ધર્મેશની ધરપકડ કરાઈ
વિલાયતની બિરલા ગ્રાસીમ કંપનીના જી.એમ અને તેમના બે મળતીયાના બે દિવસના રિમાન્ડ આપતી કોર્ટ
વિલાયત GIDC સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય ૭ મળતિયાઓ સાથે મળી ત્રણ કરોડ થી વધુ રૂપિયાનું ભંગાર કૌભાંડ આચરતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. આ મામલે પોલીસે છ આરોપીઓ ને ઝડપી પાડી વાગરા કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતા.કોર્ટે ત્રણ આરોપીઓ ના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.જ્યારે અન્ય ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયા હતા.જ્યારે મુખ્ય સૂત્રધાર ધર્મેશની વિલાયત ચોકડી પરથી પોલીસ ધરપકડ કરી હતી.પોલીસે આઠ આરોપી પૈકી એક આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વાગરા GIDC માં આવેલ બિરલા ગ્રાસીમ કંપની ના ફાયબર ડિવિઝનમાં ત્રણ કરોડ ઉપરાંતની છેતરપિંડી થયાનું સામે આવતા કંપની સંકુલ સહિત ઉદ્યોગ જગતમાં ચકચાર મચી જવા પામી હતી.વાગરા પોલીસે ઝડપાયેલા છ આરોપીઓને પકડી કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. સ્ક્રેપ કાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે.ઉપરાંત કંપનીના કોઈ અન્ય ઉચ્ચ અધિકારીઓ કે સિક્યુરિટી એજન્સીના માણસોની સંડોવણી છે કે કેમ??? તેમજ ભાગી છૂટેલા આરોપીઓની ભાળ સંદર્ભે વધુ વિગતોની તપાસ અર્થે વાગરા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ સાત દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી.જો કે કોર્ટે ત્રણ આરોપીઓ જેમાં જનરલ મેનેજર જીગ્નેશ મહેતા તેમજ રહેમતુલ્લાહ ખાન અને વિલાયતના સરફરાઝ સૈયદના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. અન્ય આરોપીઓ વે-બ્રિજના ઓપરેટર દર્શન પ્રજાપતિ,સિક્યુરિટી ગાર્ડ કમલેશ તેમજ ટેમ્પો ડ્રાઈવર સંજયસિંહ યાદવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. જ્યારે રોયલ એન્ટરપ્રાઈઝના નામથી કોન્ટ્રાકટ મેળવનાર ધર્મેશની વાગરા પોલીસે વિલાયત ચોકડી ખાતેથી ધરપકડ કરી હતી. હવે આઠ પૈકી એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ થી અત્યાર સુધી નીકળેલા સ્ક્રેપમાં કંપનીને ત્રણ કરોડથી વધુ નુકશાન થયાનું સામે આવ્યુ છે. તો બીજી તરફ ત્રણ આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજુર કરતા તપાસમાં કંપની સાથે સંકળાયેલા અને બહારના અન્ય લોકોના નામ ખુલવાની શક્યતા વર્તાઈ રહી છે. હાલ તો સ્ક્રેપ કૌભાંડ વિલાયત GIDC સહિત સાયખાં કેમીકલ ઝોનમાં ટોક ઑફ ધી ટાઉન બનવા પામ્યુ છે.