દેવગઢ બારીયા નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામમાં 24માં ક્રમેથી 94માં ક્રમે ધકેલાયું
- 5:16 pm January 12, 2024
પાલિકામાં કાયમી ચીફ ઓફીસરનો અભાવ તેમજ નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓનું કામ કરવા પ્રત્યેની નબળી કામગીરી
પાલિકાની ચૂંટણી પણ ધકેલાય રહી છે. તેનો પણ યોગ્ય નિકાલ કરી વહેલી તકે ચૂંટણી યોજાય તેવી માંગ..
દેવગઢ બારીયા નગરપાલિકા 2023માં સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ જાહેર થયેલ છે. જેમાં દેવગઢ બારીયા નગરપાલિકાનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે. તે સરકારના દર્શાવેલ આંકડા છે. દેવગઢ બારીયા નગરપાલિકામાં હાલ વહીવટદાર અને ચીફ ઓફીસરનું શાસન ચાલે છે. બારીયા નગરપાલિકા 24માં ક્રમેથી 94માં નંબર પર ધકેલાઈ ગયું છે. આ સર્વેક્ષણના આંકડા મુજબ સફાઈનો રેસીઓમા દેવગઢ બારીયા નગર પાછળ ધકેલાયું છે. આ આંકડા મુજબ દેવગઢ બારીયા નગરપાલિકાનું સ્વચ્છતા ધોરણ દિવસેને દિવસે કથળતું જાય છે. સ્વચ્છતા ઝુંબેશ અને તેનું પરિણામ ફક્ત કાગળ પર પૂરવાર થયું હોય તેવું જાહેર થયેલ આંકડા મુજબ કહી શકાય નગરપાલિકામાં સ્વચ્છતાના નામની કામગીરી અંતર્ગત ફક્ત ફોટોગ્રાફી કરી તમામ પ્રકારના ઈન્ટરનેટ પર મુકી મોટા ગુણગાન ગાયા હોય તેવું લાગી રહેલ છે. આ બાબતે નગરના લોકોનું માનવું છે. કે, નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરનો અભાવ નગરમાં થતા કામકાજમાં અસર કરે છે. તેમજ નગરના લોકોનું કહેવું છે કે નગરપાલિકાના અમુક કર્મચારીઓનું કામકાજ પ્રત્યે મનસ્વી વલણ પણ આ માટે જવાબદાર છે. જો નગરપાલિકામાં હાલ થતી કામગીરીમાં અમુક કર્મચારીઓ પોતે વહીવટદાર હોય તેવું વલણ કરી રહ્યાના આક્ષેપો નગરજનો લગાવી રહેલ છે. અને સાથે સાથે એ પણ મોટો સવાલ છે કે, નગરપાલિકાની ચૂંટણી પણ પાછળ ધકેલાઈ રહી હોઈ જેને લઈ વહીવટદાર અને અમુક સમયે હંગામી ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ વહીવટ ચાલી રહેતો હોય છે. જો દેવગઢ બારીયા નગરપાલિકાનું સુંદર વહીવટ સરકાર કરવા ઇચ્છતી હોય તો ચુંટણી જે પાછળ ઠેલાઈ રહી છે. તેને યોગ્ય નિર્ણય લઈ સત્વરે યોજાય તેમજ નગરમાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યાં છે. જેથી નગરનો વિકાશ પ્રગતિશીલ બને..