પાટણ - સરસ્વતી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

  • 5:18 pm January 12, 2024
જે પી વ્યાસ, પાટણ

 

પાટણ શહેરના સિંધવાઈ માતાજીના સાનિધ્યમાં શુક્રવારના રોજ પાટણ સરસ્વતી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ પાટણની વાર્ષિક સાધારણ સભા અને નવા વર્ષના સ્નેહ મિલન સમારોહ નું આયોજન નિવૃત્ત ટાઉન પ્લાનિંગ ઓફિસર વિનોદભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની શરૂઆત માં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને પેન્સનરોનું પાટણ તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ  અશ્વિનભાઈ જોશી એ શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. 

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ અમદાવાદના મહામંત્રી અને ગુજરાત રાજ્ય ઇજનેર મંડળના અધ્યક્ષ રમણભાઈ પટેલ અને ગુજરાત રાજય નિવૃત કર્મચારી મહામંડળ વડોદરાના મહામંત્રી ચંદુલાલ જોશી એ પેન્શનરો ને લગતાં પ્રશ્નો બાબતે અને પેન્શનરોને મળવાપાત્ર લાભો સરકાર દ્વારા મળે તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ બની સરકારમાં અવાર નવાર રજુઆત કરતાં હોવાનું જણાવ્યું હતું. 

કાર્યક્રમમાં સન્માનનીય વ્યક્તિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય
એ પોતાના ઉદબોધનમાં પેન્સનરોને વૃદ્ધત્વ વેડફી નાખવાની અવસ્થા નથી પરંતુ જીવનનું ઉચ્ચત્તમ શિખર હોવાનું જણાવી ઓફિસ, પરિવાર, સામાજિક જવાબદારીઓ નિભાવ્યા પછી પેન્સનરો એ પોતાનું શેષ જીવન ધર્મમય અને આનંદમય બનાવવા અનુરોધ કરી જ્યાં સુધી પેન્શનર મંડળ નું ભવન તૈયાર ન થાય ત્યાં સુધી જગન્નાથ મંદિરનો કોન્ફરન્સ હોલ આવા કાર્યક્રમ માટે મંડળને વિનામૂલ્ય આપવાની જાહેરાત કરી હતી. સમારંભના અધ્યક્ષ વિનોદભાઈ જોશી એ પણ પેન્શનરોને સ્પર્શતા મુદ્દાઓ વિશે પોતાના વિચારો રજૂ કરી નિવૃત્ત પેન્સનરોનું જીવન શ્રેષ્ઠ બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.