જેતપુર માવતરે રહેતી પરિણીતાને પતિ, સાસુ ને સસરા સહિત શારીરિક-માનસિક ત્રાસ આપતા ફરિયાદ
- 7:12 pm January 12, 2024
જેતપુરમાં માવતરે રહેતી પરિણીતાને પતિ-સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાના આક્ષેપ સાથે 6 લોકો સામે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાએ ફરિયાદમાં પતિ રાજુ, સસરા કારાભાઈ, સાસુ રાણીબેન, દીયર નાગાજણ, નણંદ અનિતાબેન, કાકાજી સસરા દેવશીભાઈ કેશવભાઈ અને કાકીજી સાસુ દેવીબેન સામે આક્ષેપો કર્યા છે.
27 વર્ષીય પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું હાલ મારા માતા-પિતા સાથે જેતપુરમાં રહું છું. મારા લગ્ન તા.8.3.2018 ના રોજ આદીત્યાણાના કારાભાઈ ઓડેદરાના પુત્ર રાજુ સાથે થયા હતા. લગ્નબાદ હું મારા પતિ, સાસુ-સસરા તથા દિયર તેમજ નણંદ બધા સયુક્ત કુટુંબમાં રહેતા હતા. દોઢેક વર્ષ મને સારી રીતે રાખી હતી. પ્રેગ્નેટ થયા પછી 3 માસ બાદ મીસ કેરેજ થયું હતું.
પતિ દારૂ પીને આવી બોલાચાલી કરી, મારકુટ કરતા, મેણાટોણા મારતા, સસરા, દિયર કહેતા કે આને કાઢી મુકો આપડે બીજી લઇ અવીશું. પતિ જુગારમાં પૈસા હારી જતા. ત્યારે મારી સાથે ઝઘડો કરતા અને કહેતા કે, તું માવતરેથી પૈસા લઇ આવ. હું માવતરેથી 70,000 લાવી જે મારા પતિ મારી પાસેથી લઇ ગયા હતા. ફરી જુગારમાં હારી જતા વધારે પૈસાની માગણી કરીને મારકુટ કરતા હતાં.
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, બાજુમાં રહેતા કાકીજી-સાસુ, મારા કાકાજી સસરા, મારા પતિની ચડામણી કરતા અને મારી સાથે પણ બોલાચાલી કરતા. ત્રણેક વર્ષ પહેલા મને તાવ આવતા પતિ કે સાસરીયાવાળા મને દવાખાને લઇ ગયા નહીં. મારા પિતાને ફોન કરતા પતિએ કહ્યું કે, તમે અહિં આવતા નહી અને અમે તેને દવાખાને લઈ જવાના નથી. મારા પિતા આવતા તેને સાસરિયા વાળા અને મારા પતિએ કહ્યું કે તમે તમારી દીકરીને તમારી સાથે લઈ જાવ જેથી હું મારા માવતરે રિસામણે રહેવા આવી ગઈ હતી. હાલ પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.