પાદરાથી ટ્રાવેલ્સની લક્ઝરી બસ લઈને નીકળેલો ડ્રાઈવર રસ્તામાં ડીઝલ ચોરી કરતા તાલુકા પોલીસના હાથે ઝડપાયો
- 7:20 pm January 12, 2024
શહેરના પાદરાથી શાહ ટ્રાવેલ્સની લક્ઝરી બસ લઈને નીકળેલો ડ્રાઈવર રસ્તામાં ડીઝલ ચોરી કરતા તાલુકા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો તાલુકા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેલેસ રોડ કુંજ પ્લાઝામાં આવેલી શાહ ટ્રાવેલ્સની ઓફિસના મેનેજર સમીરે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી એજન્સીમાં 350 લક્ઝરી બસો છે. એક લક્ઝરી બસ પાદરા થી જરોદ કંપનીમાં રોજની પાંચ શિફટમાં ચાલે છે. જેનો ડ્રાઇવર સમીર અયુબભાઈ ખીલજી (રહેવાસી ડાભા ગામ તાલુકો જંબુસર) છેલ્લા ત્રણ મહિનાથી અમારી ત્યાં નોકરી કરે છે. ગઈકાલે 11મી તારીખે પાદરા થી જરોદ જવા માટે બસના ડ્રાઈવર સમીર ખીલજીનો કોન્ટેક્ટ કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ સાડા સાત વાગે તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે, લક્ઝરી બસના ડ્રાઇવર સમીર ખીલજી તથા રિતેશ મગનભાઈ પટેલ (રહે. મયુર નગર સોસાયટી, લક્ષ્મીપુરા) લક્ષ્મીપુરા ગામેથી બસમાંથી ડીઝલ કાઢતા પકડાયા છે. જેથી હું પોલીસ સ્ટેશન આવ્યો હતો. અમને જાણવા મળ્યું હતું કે, ડ્રાઇવર સમીર ડીઝલ ચોરી કરતા પોલીસના હાથે પકડાયો છે. સ્થળ પર જઈને બસની ડીઝલ ટેન્ક ચેક કરતા આશરે 90 લીટર ડીઝલ કિંમત રૂપિયા 8,100નું ચોરી કર્યું હતું.