કાલોલ તાલુકાના કંડાચ ગામમાં ફોલ્ટને કારણે છેલ્લા એક અઠવાડિયાથી એગ્રીકલ્ચરની વિજળીના વલખાં..!

  • 7:52 pm February 7, 2024
સેહજાદ પઠાણ

 

 

કાલોલ વિસ્તારમાં આવેલા કંડાચ ગામમાં એમજીવીસીએલ વિભાગની બેદરકારીએ પાછલા એક અઠવાડિયાથી એગ્રીકલ્ચરની લાઈન પર ફોલ્ટ સર્જાઈને વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના કંડાચ ગામમાં પાછલા એક અઠવાડિયાથી એગ્રીકલ્ચરની વિજળીના ધાંધિયા સર્જાતા ખેડૂતોના ઉભા રવિ પાકોને બોર/કુવાના પાણી પર નભતા પાકો સુકાતાં એમજીવીસીએલ વિભાગ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. કાલોલ એમજીવીસીએલ વિભાગની કચેરી હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં નમેલા વીજ થાંભલાઓ, નીચે લટકતા વીજવાયરો અને ટ્રાન્સફોર્મરો જે ઝાડી ઝાંખરાથી ઘેરાયેલા જોવા મળે છે જેને દુરસ્ત કરવા માટે એમજીવીસીએલ વિભાગ દ્વારા અવારનવાર વીજકાપ લાદીને લાઈનો સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ આખા દિવસના વીજકાપ અને કામગીરીને અંતે પણ તંત્રની દેખરેખના અભાવે ગ્રામ્ય વિસ્તારોમાં સમસ્યાઓનું સમારકામ કરવાની કામગીરીમાં વેઠ ઉતારતા હોવાને પગલે ઝાડી ઝાખરાઓથી ઘેરાયેલી વીજલાઇનો અને ટ્રાન્સફોર્મરો પર અવારનવાર ધાંધિયા સર્જાતા રહે છે. જે મધ્યે કંડાચ ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર કંડાચ ગામમાં પાછલા એક સપ્તાહથી સર્જાયેલા વીજ ફોલ્ટ અંગે કાલોલ એમજીવીસીએલ કચેરીને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ નહીં ખેડૂતોએ એમજીવીસીએલ વિભાગ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ વિસ્તારોમાં એગ્રીકલ્ચરની વીજલાઇનોની હાલત કફોડી જોવા મળે છે જેને પગલે અવારનવાર ફોલ્ટ સર્જાતા રહે છે અને ફોલ્ટના નિરાકરણ માટે અપૂરતા સ્ટાફને કારણે ગામડાઓનો‌ વીજ પુરવઠો ખોરવાતો જોવા મળે છે. જેથી આગામી દિવસોમાં એમજીવીસીએલ તંત્ર દ્વારા અસરકારક તપાસ હાથ ધરી ગ્રામિણ વિસ્તારોમાં વીજલાઇનોની ખસ્તા હાલત દૂરસ્ત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.