રામ લલ્લા બિરાજમાન થતા સરયુ નદીમાં સંતના અસ્થિ પધરાવ્યા

  • 7:04 pm February 8, 2024
હેમેન્દ્ર મોદી | ગઢડા

 

ગઢડાના ગુંદાળા આશ્રમના  સંત હનુમાનદાસજીનો સંકલ્પ પૂર્ણ કરાયો

ગઢડા(સ્વામીના) તાલુકાના ગુંદાળા ગામે આવેલા વર્ષોજૂના મારૂતિ આશ્રમ હનુમાનજી મંદિરના મહંત તરીકે ધૂણી ધખાવી બેસેલા પ્રખર સનાતની અને રાષ્ટ્ર પ્રેમી સંત હનુમાનદાસજી ગત સમયમા વર્ષ 1988-1989 થી ક્રાંતિમાન બનેલા અયોધ્યા રામ મંદિર આંદોલન માટે વર્ષો સુધી પ્રખર રીતે જોડાયેલા રહ્યા હતા. 

વર્ષોના આંદોલન તથા અનેક લોકોની શહાદતોના અંતે સુપ્રીમ કોર્ટના અંતિમ ફેંસલા પછી ગત 5 ઓગસ્ટ 2020 ના રોજ અયોધ્યા રામ મંદિરનુ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ અયોધ્યા રામ મંદિરનુ સ્વપ્ન સાકાર થતા કરોડો લોકોના હદયમા આનંદ છવાયો હતો. સાથે સાથે વર્ષોથી પોતાના હદયમાં અતૂટ શ્રદ્ધા સાથે રામ મંદિર માટેની ધગધગતી આકાંક્ષા અને યોગદાનથી જોડાયેલા સાધુ સંતોની ખુશીની વાત અનેરી છે. સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદા પછી રામ મંદિર નિર્માણની ગતિવિધિઓ શરૂ થયાના થોડા સમય પછી સંત હનુમાનદાસજીને પોતાની ઉંમર અને શારીરિક સ્થિતિનો તાગ આવી જતા સેવકોને બોલાવીને પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે સેવકો પાંચા ભગત, નથુભાઈ વિગેરેને બોલાવીને જણાવ્યું હતું કે મારો અંતિમ સમય હવે ખૂબ નજદીક છે. મારા દેહ વિલય પછી  અયોધ્યા મંદિરમાં રામલ્લા બિરાજમાન થઈ જાય ત્યારબાદ મારા અસ્થિ અયોધ્યા સરયુ નદીમાં પધરાવશો. આવી રીતે પોતાનો સંકલ્પ જાહેર કર્યા પછી ગત તારીખ 20 ફેબ્રુઆરી 2021ના રોજ સંત હનુમાનદાસજીનો દેહ વિલય થયો હતો. ત્યારે વર્તમાન સમયમાં અયોધ્યા રામ મંદિર નિર્માણ અને મૂર્તિ બિરાજમાનની કામગીરી પૂર્ણ થતા હનુમાનદાસજીના ગુરૂ ભાઈ સુખદેવદાસજી, મોહનદાસજી તથા સેવકો ભોળાભાઈ રબારી, લગધીરભાઈ હણ, ઓઘડભાઈ, બસાભાઈ વિગેરે દ્વારા અયોધ્યા મુકામે પહોંચી સરયુ નદીમાં સંત હનુમાનદાસજીના અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ કરી અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલી અતૂટ આસ્થાયુકત  ઈચ્છાનો સંકલ્પ પરિપૂર્ણ કરાયો હતો.