બોટાદ જિલ્લા પંચાયત ખાતે સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી એક દિવસીય તાલીમ યોજાઇ..

  • 6:42 pm February 23, 2024
જયરાજ ડવ | બોટાદ

 

ગુજરાત સહિત ભારતમાં સર્પદંશથી થતા સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વે ચાર ઝેરી સાપ કારણરૂપ હોવા અંગે બોટાદના તબીબોને જરૂરી માર્ગદર્શન અપાયું

બોટાદ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બોટાદ જિલ્લામાં સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી બોટાદ જિલ્લાના ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાના તબીબો માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સર્પદંશથી ૨૦હજારથી વધુ લોકોના જીવ બચાવનાર ધરમપુરની સાંઈનાથ હોસ્પીટલના તબીબ અને સ્ટેટ લેવલ સ્નેક બાઈટ મેનેજમેન્ટ ટ્રેનર કમ સ્નેક રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન ડૉ. ડી.સી.પટેલે જણાવ્યું હતું કે, સર્પદંશ એક બહુ મોટી જાહેર આરોગ્યની સમસ્યા છે. રાજ્યમાં અનેક સ્નેક બાઈટના કિસ્સાઓ જોવા મળે છે. જેની સારવાર ખુબ જ મોંઘી હોઈ છે. અને છેવાડાના વિસ્તારમાં જીવનનું જોખમ પણ ખુબ જ વધુ હોઈ છે. સામાન્ય રીતે વાડી-ખેતર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ નીકળતા હોય છે. આ ઉપરાંત ભેજવાળા વિસ્તારમાં પણ સાપ જોવા મળતા હોય છે ત્યારે સર્પદંશનો ભોગ પણ આ વિસ્તારમાં રહેતા લોકો જ વધારે બનતા હોય છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સહિત ભારતમાં સર્પદંશથી થતા સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વે ચાર ઝેરી સાપ કારણરૂપ હોય છે. જેમાં નાગ (ઈન્ડિયન કોબ્રા), કાળોતરો (ઈન્ડિયન ક્રેટ), ખડચિતળો (રસેલ્સ વાઈપર) અને ફૂરસો (સો સ્કેલ્ડ વાઈપર)નો સમાવેશ થાય છે. આવા કિસ્સામાં રાજ્ય સરકારે દરેક જિલ્લામાં સ્નેક બાઈટ માટે ખાસ ધ્યાન આપીને પ્રોગ્રામ કાર્યરત કરવામાં આવ્યાં  હોવાની સર્પદંશની જાગૃતિ અને સારવાર ઉપર પોતાની આગવી શૈલીમાં જરૂરી માહિતી પુરી પાડી હતી.

આ તાલીમમાં સર્પદંશ વિશેની ટૂંકી ફિલ્મ તથા સાપના પ્રકારો અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ આ તાલીમ મેળવી સર્પદંશથી થતાં મૃત્યુ અટકાવવા સંકલ્પબદ્ધ બન્યા હતા. આ વેળાએ બોટાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,  અર્બન હેલ્થ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.