અંકલેશ્વર: વેરો ભરવામાં વિલંબ દાખવનારનાઓને આખરી નોટિસ, પાણી કનેકશન કપાયા

  • 9:41 pm February 24, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3.57 કરોડની વસૂલાત માટે આશરે 5,500 બાકી વેરો ધારકોને આખરી નોટિસ પાઠવવામાં આવી છે. તો બીજી તરફ 15 દિવસમાં 47  પાણીના જોડાણ કાપ્યાં છે.

ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં હાલ વેરા વસુલાત માટે ઝૂંબેશ ચાલી રહી છે. અંકલેશ્વરમાં 3.57 કરોડની બાકી વસુલાત માટે 5,500 લોકોને આખરી નોટિસ આપ્યાં બાદ હવે નળ અને ગટર જોડાણ કાપવાની તથા મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. છેલ્લા 15 દિવસથી પાલિકાએ કડક કાર્યવાહી કરતાં 47 જેટલા નળજોડાણ કાપી નાંખ્યાં છે. અંકલેશ્વરના 35 હજાર જેટલા મિલકતધારકો પાસેથી પાલિકા મિલકતવેરો, લાઇટવેરો, સફાઇ વેરા સહિતના વેરાઓની વસુલાત કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 9.32 કરોડનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો હતો. જેની સામે હાલ 5.75 કરોડની વસુલાત થઇ છે. 31મી માર્ચ પહેલાં વેરા વસુલાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો હોવાથી પાલિકાએ 5,500 જેટલા બાકીદારોને આખરી નોટિસ આપી તેમનો બાકી વેરો ભરી જવા તાકીદ કરી હતી પણ હજી સુધી તેઓ વેરો ભરવા આવ્યાં નથી. છેલ્લા 15 દિવસમાં પાલિકાએ વેરા વસુલાતની કામગીરીને કડક બનાવી 47 જેટલા નળજોડાણ કાપી નાખ્યાં છે.