ગઢડાના રામપરા ગામે કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગ હસ્તકના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને ઉદઘોષણા સમારોહ યોજાયો

  • 9:40 pm March 8, 2024
જયરાજ ડવ

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વા.) તાલુકાના રામપરા ગામે રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રીકુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષતામાં નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગ હસ્તકના રૂ.૪૩.૯૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને ઉદઘોષણા સમારોહ યોજાયો હતો.

રામપરા ગામે યોજાયેલા ખાતમુહૂર્ત અને ઉદઘોષણા સમારોહમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેકવિધ વિકાસ કામો થઈ રહ્યાં છે તેના આપણે સહુ સાક્ષી છીએ તેમ જણાવી ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રને નર્મદાના નીર આપવાનું સપનું સેવ્યું તે ખરા અર્થમાં પરિપૂર્ણ થયું છે. જેના પરિણામે આ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ થયાં છે. તેમજ સૌની યોજના થકી સૌરાષ્ટ્ર હરિયાળું બન્યું છે. સૌની યોજના હેઠળ ૩ કિ.મી રેન્જમાં બંને સાઇડ જે તળાવો કે ચેકડેમો આવતા હશે તો તે તમામ ડેમોમાં સિંચાઇનું પાણી આપવામાં આવશે. ખેડૂતોને સિંચાઇનો વધુને વધુ લાભ મળે તે માટે લાંબા સમયથી વિલંબમાં પડેલી યોજનાઓના કારણો જાણી તે યોજનાઓ કાર્યરત થાય તે દિશાના પ્રયાસો હાથ ધરાશે. સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા પ્રધાનમંત્રીએ જલ શક્તિ મંત્રાલય વિભાગની અલગ રચના પણ કરી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, બોટાદ જિલ્લામાં નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગ હસ્તકના રૂ.૪૩.૯૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને ઉદઘોષણા કરવામાં આવી છે જેથી બોટાદ જિલ્લો વિકાસક્ષેત્રે વધુ વેગવાન બનશે. આ પ્રસંગે બાબરા-લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.

આ વેળાએ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદહસ્તે રામપરા ગામ પાસે નદીના પ્રોટેક્શન વોલ માટે રૂ.૧.૨૫ કરોડ,  દેરાળા ૧ ચેકડેમના કંન્સ્ટ્રક્શન માટે રૂ.૦.૪૬ કરોડ, દેરાળા ૨ ચેકડેમ કંન્સ્ટ્રક્શન માટે રૂ.૦.૮૫ કરોડ, દેરાળા ૩ ચેકડેમ કંન્સ્ટ્રક્શન માટે રૂ.૦.૫૮ કરોડ, ભીમડાદ સિંચાઈ યોજના કેનાલ રીસ્ટોરીંગ વર્ક માટે રૂ.૦.૨૬ કરોડ અને હામાપર ગામે તળાવ સુધારણા માટે રૂ.૦.૩૧ કરોડ એમ ૬ કામો માટે કુલ રૂ.૩.૭૧ કરોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. 

બોટાદ/ગઢડા ગામે સૌની યોજના લીંક-૨ અન્વયે બોટાદ જીલ્લામાં આવેલ હૈયાત સ્કાવર વાલ્વથી ૩ કી.મી. અંતરે જોડાવાના થતા ગામ તળાવ/ચેકડેમની કામગીરી માટે રૂ.૨૦ કરોડ, રાણપુર ગામે  સૌની યોજના લીંક-૨, પેકેજ-૨ ધારપીપળા ગામ માટેના સ્કાવર વાલ્વ અને પાઈપ લાઈન મુકવા માટે રૂ.૨.૧૮ કરોડ, અણીયાળી (કાઠી) ગામે ડીટેઈલ એસ્ટીમેન્ટ ફોર પ્રપોઝડ અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન ફોર અણીયાળી (કાઠી) વિલેજ ફોર સૌની યોજના લીંક-૨ પેકેજ-૩ માટે રૂ.૩.૭૫ કરોડ, નાગલપર ગામે  સૌની યોજના લીંક-૨ પેકેજ-૩ અન્વયે  સ્કાવર વાલ્વ અને પાઈપ લાઈન મુકવા માટે રૂ.૪ કરોડ,હામાપર-રાજપરા ગામે સૌની યોજના લીંક-૨ પેકેજ-૩ અન્વયે  સ્કાવર વાલ્વ અને પાઈપ લાઈન મુકવા  માટે રૂ. ૮ કરોડ, માંડવધાર ગામે તળાવ સુધારણાના કામ માટે રૂ.૦.૨૨ કરોડ તેમજ અન્ય કામો માટે રૂ.૨.૧ કરોડ એમ વિવિધ કામોના પ્રકલ્પો માટે કુલ. રૂ.૪૦.૨૫ કરોડની ઉદઘોષણા કરી હતી. 

પ્રારંભમાં સૌરાષ્ટ્ર જળ સંપત્તિ વિભાગના મુખ્ય ઈજનેરશ્રી એચ.યુ.કલ્યાણીએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં કાર્યપાલક ઇજનેરશ્રી જે.એચ.સુવરે આભારવિધી કરી હતી પ્રારંભમાં રામપરા શાળાની બાળાઓએ વિવિધ યોગનું નિદર્શન કર્યું હતું.

કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર જળ સંપત્તિ પંચાયત વિભાગના મુખ્ય ઈજનેર જે.કે.ત્રિવેદી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રભાતભાઈ યાદવ, શ્રી સુરેશભાઇ ગોધાણી, મધુસુદન ડેરીના ચેરમેન  ભોળાભાઈ રબારી સહિત જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.