કાલોલ અર્બન કો ઓપ બેંકના ૧૦૦ વર્ષે પ્રવેશ કરતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી

  • 6:08 pm March 9, 2024
સેહજાદ પઠાણ

કાલોલ નગરમાં અગ્રણી સહકારી બેંક ગણાતી કાલોલ અર્બન કો ઓપરેટિવ બેંકના સફળ સંચાલનના ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કરતા શનિવારે વ્યવસ્થાપક સમિતિ દ્વારા શતાબ્દી મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાલોલ શહેરની લબ્ધપ્રતિષ્ઠિત બેંકના સફળ સંચાલન હેઠળ ચાલતી અર્બન કો ઓપરેટીવ બેંકના સો વર્ષે પ્રવેશ કરવાના અવસરે મેનેજીંગ કમિટી દ્વારા પટેલ પાર્ટી પ્લોટ ખાતે શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આઝાદી પૂર્વે વર્ષ ૧૯૨૪માં કાલોલ અર્બન કો ઓપરેટીવ બેંકની સ્થાપના કરવામાં આવી હતી જેથી પાછલા સો વર્ષના સફળ સંચાલન અને આગવી એવી મજબૂત શાખ ટકાવી રાખીને સમગ્ર ગુજરાતમાં સો વર્ષ સફળ સંચાલન કરતી ત્રીજી કો ઓપરેટીવ બેંક તરીકેની સિદ્ધિ ધરાવે છે. પાછલા સો વર્ષના સફળ મેનેજમેન્ટને આધારે ગ્રાહકોનો અટલ વિશ્વાસ ધરાવે છે. જેથી બેંકની તાજના વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ સુભાષચંદ્ર જે. મહેતા (ચેરમેન) અને વાઈસ ચેરમેન સુંદરલાલ એન. શાહ તથા સી.ઈ.ઓ ભાલચંદ્ર એસ. પંડ્યા સહિતના તમામ ડિરેક્ટર્સોની મેનેજમેન્ટ કમિટી દ્વારા શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું આયોજન પટેલ પાર્ટી પ્લોટ ખાતે ઉજવવામાં આવેલ કાર્યક્રમમાં યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ.૧૦૮ અભિષેકકુમાર મહારાજના આશીર્વાદ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત અન્ય કોઓપરેટીવ બેંકોના ચેરમેનોની ઉપસ્થિતિમાં દિપોત્સવ અને સ્વાગત ગીત સાથે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તદ્ઉપરાંત બેંકના વિશેષ સિદ્ધિઓ ધરાવતા સ્મૃતિગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના તમામ ડિરેક્ટર્સો, વહીવટી અઘિકારીઓ અને કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં બેંકના સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શતાબ્દી મહોત્સવના અવસરે મેનેજમેન્ટ દ્વારા પ્રથમ વીસ સભાસદોને સ્મૃતિ ચિન્હ સ્વરૂપે ચાંદીના સિક્કા એનાયત કરવામાં આવ્યા હતા.