વઘઈ તાલુકાનાં ચિકાર (ઝાવડા) ખાતે શેરડીના પાકને નુકશાન કરવા બાબતે ઝગડો થતા જાનથી મારી નાખવાની ધમકી...

  • 6:25 pm March 9, 2024
સુશીલ પવાર

 

 

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ચિકાર (ઝાવડા) ગામ ખાતે ભાઈ-બહેને એક દંપતીનાં  ફુલછોડ, ચંદનનાં છોડ, આંબાના છોડ તથા શેરડીના પાક વગેરેને નુકશાન પહોંચાડ્યુ હતુ.તેમજ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.વઘઈ તાલુકાનાં ચિકાર (ઝાવડા) ખાતે રહેતા જયરામ પુનિયા પાલવે તથા તેમની પત્ની પોતાના દીકરાને ભરૂચ તેના હોસ્ટેલમાં મુકવા ગયા હતા.જે બાદ ઘરે ચિકાર ખાતે પરત આવતા તેમના ઘર કમ્પાઉન્ડ નજીકનાં ખેતરમાં  ઉગાડેલ ફુલછોડ, ચંદનના છોડ, આંબાના છોડ ઉખેડી નુકશાન થયેલુ હોય તેવુ જોવા મળ્યુ હતુ.જે બાદ  ચેતનભાઈ સોનુભાઈ રાઉત તથા તેની બહેન વિરૂણાબેન સોનુભાઈ રાઉત  ઘર આંગણે આવ્યા હતા અને જયરામ પાલવેને નાલાયક ગાળો આપી કહેલ કે," તે અમારા બાપ દાદાની જમીનમાં તારૂ ઘર બનાવી દિધેલ છે.અને તે અમારા જાણકારી બહાર છોડો ઉગાડેલ હોય જે મેં અને મારી બહેનએ ઉખેડી નાખેલ છે.બીજીવાર અમારા ખેતરમાં કે કમ્પાઉન્ડ માં ખેડાણ કર્યું તો તને અને તારી પત્નીને જાનથી મારી નાખીશ " તેમ કહી  બંને ભાઈ બહેન જતા રહ્યા હતા.ત્યારબાદ તેમની મરજી વિરુદ્ધ ચેતન રાઉતે  ટ્રેક્ટર વડે જયરામ ભાઈનાં ખેતરમાં જમીન લેવલિંગ કરતા શેરડીના પાકને પણ નુકસાન થયુ હતુ.વધુમાં ચેતન રાઉતે ડીસ્ટ્રીક લેન્ડ રેકર્ડની ખોટી માપણી કરાવી જયરામ ભાઈની બાપદાદાની જમીન તેમની હોવાનુ કહી જયરામ ને તથા તેમની પત્નીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું હતું. જેને લઈને વઘઈ પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.હાલમાં વઘઈ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.